ગાંધીનગરઃ રાજ્ય સરકારે કોવિડ-19 દરમિયાન સતત કામગીરી કરી રહેલા તબીબોની કામગીરીની સરાહના કરી છે, તેમજ 362 પોસ્ટ ગ્રેજ્યુએશનના ફાઇનલ યર પાસ આઉટ રેસિડેન્ટ ડોક્ટરોનું તેમની મેડિકલ કોલેજોમાં જ કેમ્પસ પ્લેસમેન્ટ કરીને તજજ્ઞ તબીબો તરીકે નિમણૂક આપવામાં આવી છે.
ગાંધીનગરઃ 362 PG રેસિડેન્ટ ડોક્ટર્સને પ્લેસમેન્ટ આધારે નિમણૂક, બોન્ડમાં સરકારે આપી મોટી છૂટછાટ - Placement to PG Resident Doctors
રાજ્ય સરકારે કોવિડ-19ના સમયગાળામાં દિવસ-રાત જોયા વિના કામ કરી રહેલા તબીબોની કામગીરીની સહાનુભૂતિપૂર્વક સરાહના કરી છે. એટલું જ નહીં 362 પોસ્ટ ગ્રેજ્યુએશનના ફાઇનલ યર પાસ આઉટ રેસિડેન્ટ ડોક્ટરોનું તેમની મેડિકલ કોલેજોમાં જ કેમ્પસ પ્લેસમેન્ટ કરીને જે તે જિલ્લાના કલેક્ટરો દ્વારા તજજ્ઞ તબીબો તરીકે નિમણૂક આપવામાં આવી છે.
આરોગ્ય વિભાગે સરકારી મેડિકલ કોલેજોમાંથી સ્નાતક કે અનુસ્નાતકનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હોય તેવા તબીબોને બોન્ડ અન્વયે બજાવવાની થતી સેવાઓમાં પણ મોટી છૂટછાટો આપી છે. બોન્ડ અન્વયે તબીબોને ગ્રામ્ય કક્ષાએ સેવા બજાવવાની થાય છે, તેને બદલે કોવિડ-19 અંતર્ગત નોટિફાઇડ હોસ્પિટલની સેવાઓને પણ બોન્ડ સેવા તરીકે ગણવામાં આવશે. એટલું જ નહીં, રાજ્ય સરકાર કોઈપણ તબીબ દ્વારા કોવિડ-19 નોટિફાઇડ હોસ્પિટલમાં આપવામાં આવેલી સેવાઓને બમણા સમયગાળાની બોન્ડ સેવા તરીકે ગણતરીમાં લેશે.
આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોઈ બોન્ડેડ તબીબે અગાઉની સેવા અધુરી છોડી દીધી હોય અને જો આવા તબીબ કોવિડ-19 નોટિફાઇડ હોસ્પિટલમાં સેવાઓ બજાવે છે તો તેમની સેવાઓ પણ સળંગ કરી આપવામાં આવશે. કોઈપણ તબીબ દ્વારા ત્રણ વર્ષનો બોન્ડ આપવામાં આવ્યો હોય તો તેઓ તેનું એક વર્ષના બોન્ડમાં રૂપાંતરણ કરાવીને માત્ર છ મહિના માટે કોવિડ-19 નોટિફાઇડ હોસ્પિટલમાં સેવા બજાવશે તો પણ બોન્ડ મુક્ત થઈ શકશે.