રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘ 30 નવેમ્બરના રોજ નિવૃત્ત થયા છે, રાજ્ય સરકારે તેમને 6 મહિનાનું એક્સ્ટેન્શન આપ્યું હતું, તે પણ 30 નવેમ્બરના રોજ પૂર્ણ થઇ ગયું છે. ત્યારે શનિવારે ડૉ.જે.એન.સિંઘની હાજરીમાં દિલ્હીથી હોમ કેડરમાં પરત ફરેલ અનિલ મુકીમે 29માં મુખ્યસચિવ તરીકે ચાર્જ સંભાળ્યો હતો.
રાજ્યના 29માં મુખ્ય સચિવ તરીકે અનિલ મુકીમે ચાર્જ સંભાળ્યો - ચિફ સેક્રેટરી
ગાંધીનગર: ગુજરાત કેડરના 1985ની બેંચના વરિષ્ઠ અધિકારી અનિલ મુકીમે શનિવારે ગુજરાતના 29માં મુખ્ય સચિવ તરીકે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે નિવૃત્ત મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘે તેમને ચાર્જ સોંપીને સારી કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજ્યના નવા મુખ્ય સચિવ અનિલ મુકીમ 4.45 કલાકની આસપાસ ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પૂર્વ મુખ્યસચિવની હાજરીમાં ચાર્જ સંભાળ્યો હતો. આ સમયે રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ ડૉ.જે.એન. સિંઘે અનિલ મુકીમનું સ્વાગત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અનિલ મુકીમ સનદી અધિકારી તરીકે નાણા, મહેસૂલ, સ્વાસ્થ્ય જેવા વિવિધ વિભાગના વડા તરીકે કામગીરી કરવાનો અનુભવ ધરાવે છે. ઉપરાંત ગુજરાતના જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટમાં એડિશનલ મુખ્ય સચિવ તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે. અનિલ મુકીમ કેન્દ્ર સરકારના ખાણ અને ખનીજ વિભાગના સચિવ તરીકે પણ સેવા આપી ચૂકયા છે.