ગુજરાત

gujarat

ETV Bharat / city

વિધાનસભા ગૃહમાં વિવિધ મુદ્દે થઈ ચર્ચા

સોમવારે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરીકાળમાં વિવિધ બાબતો પર ચર્ચા થઇ હતી. જેમાં રાજ્યમાં અનેક આંગણવાડીઓ ભાડાના મકાનમાં સરકાર પોતાના આંગણવાડી મકાન બનાવશે અને GUJCTOC અંતર્ગત દરેક જિલ્લામાં કોર્ટ કાર્યરત થશે, તેવી માહિતી પણ આપવામાં આવી હતી.

વિધાનસભા ગૃહ
વિધાનસભા ગૃહ

By

Published : Mar 15, 2021, 7:29 PM IST

  • સોમવારે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરીકાળમાં થઈ ચર્ચા
  • સરકાર પોતાના આંગણવાડીના મકાન બનાવશે
  • GUJCTOCમાંદરેક જિલ્લામાં કોર્ટ કાર્યરત થશે

ગાંધીનગર : આજે સોમવારે વિધાનસભા ગૃહમાં બપોરે 12 કલાકથી 1 કલાક સુધી પ્રશ્નોત્તરીકાળ દરમિયાન 10 પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં GUJCTOCના કાયદા આંગણવાડીઓ અને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના બાબતની માહિતી વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવી હતી. આ સાથે જ GUJCTOC (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ)ના કાયદા હેઠળ કેટલા લોકોએ લાભ લીધો અને મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનામાં કેટલા વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી, તે બાબતની પણ માહિતી વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો - GUJCTOC કાયદાની કેટલીક જોગવાઈને હાઈકોર્ટમાં પડકારાઈ

આ પણ વાંચો -રાજકોટના ઈતિહાસમાં પ્રથમ વખતGUJCTOC કાયદા હેઠળ ગુનો નોંધાયો

GUJCTOC બાબતે જાડેજાએ આપી વિગતો

GUJCTOC બાબતે વિધાનસભા ગૃહમાં પ્રદીપસિંહ જાડેજાએ પ્રતિ ઉતર આપતાં જણાવ્યું હતું કે, જ્યારથી ગુજરાત રાજ્યમાં GUJCTOC કાયદો લાગૂ કરવામાં આવ્યો છે, ત્યારથી અત્યાર સુધીમાં 2,039 ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જ્યારે 709 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 12.51 લાખ ચોરસ મીટર જમીન મૂળ માલિકને આપવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે, એટલે કુલ 125 હેક્ટર જમીન એટલે કે કુલ 773 વીઘા જમીન પરત મૂળ માલિકને આપવામાં આવશે. આ ઉપરાંત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ડોક્યુમેન્ટ સાથે જે તે વ્યક્તિએ કલેક્ટરને અરજી કરવાની હોય છે અને આ અરજીમાં રજૂ કરેલા પુરાવાના આધારે કલેક્ટર 15થી 21 દિવસમાં આ કેસ બાબતે પોલીસ કેસ કરવો કે, નહીં તે અંગેનો નિર્ણય કરે છે અને પોલીસને જાણ કર્યા બાદ 7 દિવસની અંદર કેસ દાખલ થાય છે અને 6 મહિનાની અંદર સ્પેશિયલ કોર્ટ દ્વારા તે અંગેનો નિર્ણય કરવામાં આવે છે.

આદિવાસી વિકાસનો મુદ્દો ગૃહમાં ચર્ચાયો

દાહોદ જિલ્લામાં સંકલિત ડેરી વિકાસ યોજના અંતર્ગત વિધાનસભાગૃહમાં પ્રશ્નનો ઉત્તર આપતા વસાવાએ જણાવ્યું કે, ફેબ્રુઆરી-2021 સુધી દાહોદ જિલ્લાના નવ તાલુકાઓમાં 1049 લાભાર્થીઓને લાભ આપી રૂપિયા 3.40 કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે. સંકલિત ડેરી વિકાસ યોજના અંતર્ગત આર્થિક સદ્ધરતા વધી છે, જીવનધોરણ ઉંચુ આવ્યું છે, સ્થળાંતર ઓછું થયું છે. આ ઉપરાંત સ્થાનિક રોજગારી વધવા પામી છે. આ યોજના અંતર્ગત પશુદીઠ વર્ષ 2013-14માં યુનિટ કિંમત રૂપિયા 39,400 હતી. જે વર્ષ 2014-15માં વધારી રૂપિયા 54,400 કરવામાં આવી છે.

રાજ્યમાં સર્વશ્રેષ્ઠ – સુવિધાયુક્ત આંગણવાડીઓ તૈયાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ : વિભાવરી દવે

રાજયમાં અનેક આંગણવાડીઓના ભાડાના મકાનમાં કાર્યરત છે, એ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછવામાં આવેલા પ્રશ્નનો ઉત્તર આપતા મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય પ્રધાન વિભાવરી દવેએ જણાવ્યું કે, રાજ્યમાં સર્વશ્રેષ્ઠ-સુવિધાયુક્ત આંગણવાડીઓ તૈયાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. મોટાભાગની આંગણવાડીઓ પોતાના મકાનમાં કાર્યરત છે. જ્યારે કેટલીક આંગણવાડીઓ ભાડાના તથા અન્ય મકાનમાં કાર્યરત છે, તેને પોતાના મકાન મળે તે માટે જમીન મળ્યા બાદ વિવિધ સરકારી યોજના અંતર્ગત બાંધકામ માટેની કામગીરી પણ હાથ ધરી દેવામાં આવશે. આંગણવાડી માટે જમીન મળ્યેથી વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત તેના મકાનના બાંધકામ માટેની કામગીરી હાથ ધરવામાં આવશે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના આશીર્વાદરૂપ

તારીખ 31 ડિસેમ્બર, 2020ની સ્થિતિએ વર્ષ-2019-20માં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ટેક્નિકલ શિક્ષણ હેઠળના ડિગ્રી, ઇજનેરી અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા 26,312 વિદ્યાર્થીઓને આ યોજના અંતર્ગત રૂપિયા 101.90 કરોડ સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે. જેમાં 21,631 વિદ્યાર્થીઓ અને 4681 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે ગુણવત્તા અને આવકના ધોરણે આર્થિક સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. તે માટે પાત્રતાના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં રૂપિયા 6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા વાલીઓનાં સંતાનો, સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે ધોરણ-12ની વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 80 કે તેથી વધુ પરસન્ટાઈલ મેળવનારા વિદ્યાર્થીઓ, ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમો માટે ધોરણ-10ની પરીક્ષામાં 80 કે, તેથી વધુ પરસન્ટાઇલ મેળવનારા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે.

આ પણ વાંચો -સ્વાવલંબન યોજના હેઠળ 766 જેટલા લાભાર્થીઓને 9.88 કરોડની ધિરાણ આપાઈ

શું છે GUJCTOC કાયદો...?

ગાંધીનગર: વર્ષ 2003માં રાજ્યના તાત્કાલિન મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધાનસભા ગૃહમાં ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ બિલ પાસ કર્યું હતું. પરંતુ આ બિલને 3 થી વધુ વખત રાષ્ટ્પતિ દ્વારા ના મંજૂર કરવામાં આવ્યું હતું. આજે 16 વર્ષ બાદ દેશના રાષ્ટ્રપતિએ બિલ પર મંજૂરીની મહોર લગાવી છે. જે કાયદો હવે 1 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં લાગુ થશે. જેની જાહેરાત રાજયકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કરી હતી.

ગૃહપ્રધાને વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત જેવા સરહદી રાજ્યમાં આતંકવાદ સહિત સંગઠિત ગુનાખોરીના નિયંત્રણ માટે ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ કાયદાનો રાજ્યમાં 1લી ડિસેમ્બર 2019થી અમલ કરાશે. રાજ્યની સુરક્ષામાં વધારો થાય અને પોલીસ કર્મીઓને પૂરતું બળ મળે એ આશયથી ગુજરાત સરકારે ગુજસીટોક કાયદાને વિધાનસભામાં પસાર કરીને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલ્યો હતો. જેને તાજેતરમાં રાષ્ટ્રપતિએ મંજૂરી આપતા હવેથી આ કાયદાનો અમલ આગામી 1લી ડિસેમ્બર 2019થી કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

સંગઠીત ગુના ખોરી કે, જેને કોઇ રાષ્ટ્રીય સિમાઓ લાગુ પડતી નથી. તેને નિવારવા માટે ગુજરાતને આગવો કાયદો મળી રહે તે જરૂરી હતું. જેનો 1લી ડિસેમ્બરથી અમલ થતા સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલિંગ), ધાક ધમકીથી પૈસા પડાવવા, પ્રતિબંધિત માલની દાણચોરી કરવી, ગેરકાયદે કેફી દ્રવ્યોનો વેપાર કરવો, ખંડણી માટે અપહરણ કરવા, રક્ષણ માટે નાણાં વસુલવા, નાણાંકીય લાભો મેળવવા માટે લોકોને છેતરવાના આશયથી પોન્ઝિ સ્કીમ (કપટયુક્ત યોજના) અથવા મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કિમ ચલાવવા જેવા ગુનાઓ નિયંત્રીત થશે.આ ઉપરાંત કોઇપણ સ્વરૂપે થતાં સાયબર ગુનાઓ પ્રત્યે નિયંત્રણની સાથે સાથે સરહદની પેલે પાર ત્રાસવાદી સંગઠનો દ્વારા નાર્કો ત્રાસવાદને જે ઉત્તેજન આપવામાં આવે છે. તેનું પણ નિયંત્રણ થશે. સંગઠિત ગુનાખોર સિન્ડીકેટ તેમની ગુનાહિત પ્રવૃત્તિઓમાં ટેકનોલોજીનો જે ઉપયોગ કરીને સંદેશાવ્યવહારનો ઉપયોગ કરે છે, તે સંદર્ભેની તપાસમાં તથા પુરાવો એકત્રિત કરવામાં પણ કાયદાનું પીઠબળ મળવાથી સફળતા મળશે.

ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (GUJCTOC)ને મંજૂરી મળતાં રાજ્યના પોલીસ અધિકારીઓને વધુ સત્તાઓ મળશે તથા ગુના નિયંત્રણ માટે વિશ્વાસ દ્રઢ બનશે. આ કાયદાની વિવિધ કલમોમાં આતંકવાદી કૃત્યો અને સંગઠિત ગુના માટે શિક્ષાની જોગવાઇ કરાઇ છે. સાથે સાથે સંગઠિત ગુના સિન્ડીકેટના સભ્યો વતી બિન હિસાબી મિલકતનો કબજો ધરાવવા માટે શિક્ષાની જોગવાઇ કરાઇ છે. ઉપરાંત ગુનાની ઇન્સાફી કાર્યવાહી માટે વિશેષ કોર્ટની રચના અને વિશેષ કોર્ટની હકુમત માટેની જોગવાઇ કરાઇ છે.વિવિધ ગુના સંબંધમાં વિશેષ કોર્ટની સત્તાની જોગવાઇ પણ છે. પબ્લિક પ્રોસિક્યુટર, વધારાના પબ્લિક પ્રોસિક્યુટર અને ખાસ પબ્લિક પ્રોસિક્યુટર નિમણૂંક કરાશે. જે આતંકવાદીને લગતા તથા સંગઠિત ગુના નિયંત્રણના કેસો જ લડશે. ઉપરાંત કાયદાકીય કાર્યવાહી કરવા માટે વિશેષ કોર્ટની રચના કરાશે. જો આવી કોર્ટ કાયદાકીય કાર્યવાહી કરી શકે તેમ ન હોય તો તે નિયમિત કોર્ટને તબદીલ કરી શકાશે. વિશેષ કોર્ટની રચના ન થાય ત્યાં સુધી આ ગુનાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની સત્તાઓ ડિવિઝન સેશન્સ કોર્ટ પાસે રહેશે. વિશેષ કોર્ટના હુકમ સામે અપીલની પણ જોગવાઇ કાયદામાં કરાઇ છે.આતંકવાદ તથા સંગઠિત ગુના સંદર્ભે સંદેશા વ્યવહારને આંતરીને મેળવાયેલ પુરાવા ગ્રાહ્ય રખાશે. તેમજ પુરાવા માટે ખાસ નિયમો પણ ઘડાશે.

પોલીસ અધિકારી સમક્ષ આરોપીએ કરેલ કબુલાતને પણ વિચારણામાં લેવાશે તથા સાક્ષીઓને પૂરતું રક્ષણ પણ પૂરુ પાડવામાં આવશે. સંગઠિત ગુનાની ઉપજમાંથી સંપાદિત કરેલ મિલકતને ટાંચમાં લેવા અને સરકારને હસ્તક્ષેપ થવાની જોગવાઇ કાયદામાં કરાઇ છે. મિલકતની તબદીલીઓ પણ રદબાતલ કરવાની જોગવાઇ સહિત ફોજદારી કાર્યરીતિના નિયમોમાં પણ ફેરફાર કરી શકાશે તેમજ ગુનાની ન્યાયિક નોંધ લેવાની અને તપાસ માટેની સરકારી કર્મચારીઓ પોતાની ફરજોના પાલનમાં ચૂક કરે તો શિક્ષાની જોગવાઇ, શુદ્ધ બુદ્ધિથી લીધેલા પગલાઓને રક્ષણની જોગવાઇ પણ કાયદામાં કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details