ગાંધીનગર: ભારત રાષ્ટ્ર આઝાદીના અમૃત મહોત્સવ (Azadi ka amrut mahotsav 2022)ની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ગુજરાત આ વર્ષે 26મી જાન્યુઆરીએ નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડ (Delhi Republic Day Pared 2022)માં ટેબ્લોના માધ્યમથી આઝાદીના સંગ્રામમાં ગુજરાતના આદિવાસીઓના યોગદાનને ઉજાગર કરશે. 'ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરો' વિષયક ટેબ્લોમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પાલ અને દઢવાવ ગામમાં અંગ્રેજોએ જલિયાંવાલા બાગ (Jaliwala bag incident) કરતાં પણ વધુ ભીષણ હત્યાકાંડ સર્જ્યો હતો, જેમાં 1200 જેટલા આદિવાસીઓ શહીદ (Gujarat tribal martyr) થયા હતા. અત્યાર સુધી અજાણી રહેલી આ ઐતિહાસિક ઘટના (Historic incident of gujarat)ને 100 વર્ષ થઇ રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર ટેબ્લોના માધ્યમથી ગુજરાતના આદિવાસીઓની શૌર્યગાથાને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરશે.
Delhi Republic Day Pared 2022: દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં કઈક આવી હશે ગુજરાતની ઝાંખી ગુજરાતના આ ટેબ્લોની વિશેષતા શું છે?
પ્રજાસત્તાક દિવસની પરેડમાં નવી દિલ્હીના રાજપથ પર પ્રસ્તુત થનારા ગુજરાતના 45 ફૂટ લાંબા, 14 ફૂટ પહોળા અને 16 ફૂટ ઊંચા આ ટેબ્લોમાં પાલ-દઢવાવના આદિવાસી ક્રાંતિવીરો પર અંગ્રેજોના અંધાધૂંધ ગોળીબારની ઘટનાને પ્રસ્તુત કરવામાં આવી છે. આદિવાસી નાગરિકો જેને 'કોલીયારીનો ગાંધી' કહે છે તે શ્રી મોતીલાલ તેજાવતનું સાત ફૂટનું આબેહૂબ સ્ટેચ્યુ ટેબ્લોની ગરિમા વધારે છે. ઘોડેસવાર અંગ્રેજ અમલદાર એચ.જી.સટર્નનું સ્ટેચ્યુ પણ શિલ્પકલાનું બેનમૂન ઉદાહરણ છે. આ ઉપરાંત ટેબ્લો પર અન્ય છ સ્ટેચ્યુ છે. ટેબ્લો પર છ લાઈવ આર્ટિસ્ટ પણ હશે, જે સ્ટેચ્યુ સાથે ઓતપ્રોત થઈને પોતાના જીવંત અભિનયથી ઘટનાની ગંભીરતાનો આબેહૂબ ચિતાર રજૂ કરશે.
Delhi Republic Day Pared 2022: દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં કઈક આવી હશે ગુજરાતની ઝાંખી શિલ્પકલા અને ચિત્રકલાના મ્યુરલ
ટેબ્લોની ફરતે પાંચ મ્યુરલ છે. શિલ્પકલા અને ચિત્રકલાના અદ્ભુત સમન્વયસમા આ મ્યુરલ આદિવાસી ક્રાંતિવીરોની સભાના દ્રશ્યોને અસરકારક રીતે પ્રસ્તુત કરે છે. ટેબ્લો પર બન્ને તરફ બે કુવા છે, ઢેખળીયો કૂવો અને દુધિયો કુવો; કે જે શહીદ આદિવાસીઓની લાશોથી ભરાઈ ગયા હતા, તેનું નિરુપણ કરે છે. ટેબ્લોના અગ્રભાગમાં હાથમાં મશાલ લઈને ક્રાંતિની મિશાલ આપતા ચાર આદિવાસી ક્રાંતિવીરોના સ્ટેચ્યુ છે. ચાર ફૂટ ઊંચા આ સ્ટેચ્યુ સ્વાધીનતા સંગ્રામમાં આદિવાસીઓના શૌર્ય, સાહસ અને સમર્પણને ઉજાગર કરે છે. સાબરકાંઠા જિલ્લાના આ વિસ્તારમાં આદિવાસી નાગરિકો પોતાની મનોકામના પૂર્ણ થાય તેવા ઉદ્દેશથી દેવને માટીના ઘોડા ભક્તિભાવપૂર્વક અર્પણ કરે છે. માટીકલાના વિશિષ્ટ નમૂનારૂપ વિશેષ પ્રકારના આ ઘોડા સાબરકાંઠા જિલ્લાની ઓળખ છે. ટેબ્લોની બન્ને તરફ આવા બે-બે ઘોડા પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
Delhi Republic Day Pared 2022: દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં કઈક આવી હશે ગુજરાતની ઝાંખી આદિવાસી ગીત પણ રજૂ થશે
ટેબ્લો સાથે સાબરકાંઠા જિલ્લાના જ આદિવાસી કલાકારો નવી દિલ્હીમાં પરંપરાગત ગેર નૃત્ય પ્રસ્તુત કરશે. પરંપરાગત પોષાકોમાં સજ્જ આ 10 જેટલા આદિવાસી કલાકારો પોશીના તાલુકાના છે. પોતાના પૂર્વજોના બલિદાનની આ અભૂતપૂર્વ ઘટનાની પ્રસ્તુતિમાં તેઓ પણ પોતાનું યોગદાન આપશે. સાબરકાંઠા જિલ્લાના જ વાદ્યકારો અને ગાયકો દ્વારા પરંપરાગત વાજિંત્રોના વાદન સાથે તૈયાર કરવામાં આવેલો મ્યુઝીક ટ્રેક પ્રસ્તુત થશે. આદિવાસી કલાકારો આ સંગીત સાથે ગેર નૃત્યની પ્રસ્તુતિ કરશે. એટલું જ નહીં પાલ-દઢવાવના આદિવાસીઓની શૌર્યગાથાનું વર્ણન કરતાં ગીતો આજે પણ આ વિસ્તારમાં આદિવાસીઓ લગ્ન જેવા શુભ પ્રસંગોએ લોકબોલીમાં ગાય છે અને પોતાના વીર પૂર્વજોનું સ્મરણ કરે છે. શ્રી મોતીલાલ તેજાવતને 'કોલીયારીનો વાણિયો ગાંધી' જેવું સંબોધન કરતું આદિવાસીઓએ જ લોકબોલીમાં ગાયેલું ગીત પણ ટેબ્લો સાથે પ્રસ્તુત કરાશે.
Delhi Republic Day Pared 2022: દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં કઈક આવી હશે ગુજરાતની ઝાંખી ગુજરાતમાં પણ અંગ્રેજો વિરુદ્ધ ચળવળ શરૂ કરી
1919ની 13મી એપ્રિલે પંજાબના અમૃતસરમાં જલિયાંવાલા બાગમાં 600 જેટલા નિર્દોષ નાગરિકોની હત્યા થઈ હતી. 1920માં કલકત્તામાં પૂ. ગાંધીજીએ અસહકાર આંદોલનની શરૂઆત કરી દીધી હતી. સમગ્ર દેશમાં આઝાદીના સંગ્રામનાની શરૂઆત થઈ ગઈ હતી. ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં, અરવલ્લીની ગિરિમાળાઓમાં ખુમારીભર્યું જીવન જીવતા ભીલ આદિવાસીઓમાં પણ અંગ્રેજો અને સામંતોના શોષણ, આકરા કરવેરા તથા વેઠપ્રથા સામે વિરોધનો સૂર પ્રગટ્યો હતો. હોળીના દિવસો નજીક હતા. તે દિવસે આમલકી અગિયારસ હતી. 'કોલિયારીના ગાંધી' તરીકે ઓળખાતા મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં આઝાદી ઝંખતા આદિવાસી પ્રજાજનો મેળે મળ્યા હતા, જંગી સભા સ્વરૂપે ભેગા થયા હતા. ત્યાં જ મેવાડ ભીલ કોર્પ્સ (એમ. બી. સી.) નામના બ્રિટિશ અર્ધલશ્કરી દળના હથિયારબંધ જવાનો જરામરાની ટેકરીઓ પર ગોઠવાઈ ગયા. એમ.બી.સી.ના અંગ્રેજ ઓફિસર મેજર એચ.જી. સટર્ને હજ્જારોની સંખ્યામાં એકત્ર થયેલા આદિવાસીઓ પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો. લગભગ 1200 જેટલા નિર્દોષ આદિવાસીઓ ગોળીએ વીંધાઈ ગયા.
Delhi Republic Day Pared 2022: દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં કઈક આવી હશે ગુજરાતની ઝાંખી ચોમેર લાશોના ઢગલા
આદિવાસીઓના નર્તન અને ઢોલના નાદ મશીનગનમાંથી છૂટથી ગોળીઓના અવાજમાં કાયમ માટે વિલાઈ ગયા. ચોમેર લાશોના ઢગલા ખડકાઈ ગયા. લડાઈના મેદાનની જેમ આખું મેદાન લાશોથી ભરાઈ ગયું હતું. બાજુમાં આવેલા ઢેખડીયા કુવા અને દુધિયા કૂવા 1200 જેટલા નિર્દોષ આદિવાસીઓના મૃતદેહોથી ઉભરાઈ ગયા હતા. મોતીલાલ તેજાવતને પણ બે ગોળી વાગી હતી, તેમના સાથીદારો તેમને ઊંટ પર નાખીને નદી માર્ગે ડુંગરા તરફ લઇ ગયા હતા. આજે પણ આ વિસ્તારના આદીવાસીઓ પોતાના લગ્ન ગીતોમાં આ ઘટનાના ગાણા ગૌરવભેર ગાય છે. જલિયાંવાલા બાગની ઘટનાના ત્રણ વર્ષ પછી ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં બનેલી આ ભીષણ ઘટનાને ઇતિહાસે ભૂલાવી દીધી હતી, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે ઇતિહાસના આ પૃષ્ઠને દુનિયા સમક્ષ ઉજાગર કર્યું હતું. આજે આ વિસ્તારમાં શહીદ સ્મૃતિ વન અને શહીદ સ્મારક (Gujarat Shahid smarak) આ હત્યાકાંડના સાક્ષી સમા ઉભા છે.
આ પણ વાંચો
રાજયમાં કોરોનાના ખપ્પરમાં... 1500 કર્મચારી અને અધિકારીઓ સંક્રમીત, ગાઈડલાન્સના ભંગ બદલ 2.56 કરોડનો દંડ
દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદથી સ્વાદવમાં મહત્વ ધરાવતા પાકને મોટું નુકસાન થયું