- શિક્ષણ સજ્જતા કસોટી મરજીયાત રાખવામાં આવી છે
- કોઈ શિક્ષક પરીક્ષા ન આપવા અન્ય પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
- પરીક્ષાના પરિણામની અસર શિક્ષકોની કારકિર્દી પર નહિ પડે
ગાંધીનગર: સમગ્ર દેશમાં ફક્ત ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક સજ્જતા કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે શિક્ષકોના બે અલગ અલગ સંઘ દ્વારા પરીક્ષા બાબતે જુદુ જુદુ વલણ આપનાવવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ દ્વારા પરીક્ષાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પરીક્ષાને સમર્થન આપવામાં આવી રહ્યું છે. ત્યારે પરીક્ષાને લઇને શિક્ષકોના મનમાં પણ અનેક સવાલો ઉભા થયા છે આ સમગ્ર બાબતે ગુજરાત રાજ્યના શિક્ષણ અગ્ર સચિવ વિનોદ રાવ સાથે ETV Bharat દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે પરીક્ષાના વિવિધ મુદ્દાઓને લઈને સ્પષ્ટતા કરી હતી.
વીડિયો કોન્ફરન્સમાં બન્ને સંગઠન દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું
શિક્ષણ અગ્ર સચિવ વિનોદ રાવના જણાવ્યા પ્રમાણે, જ્યારે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે બન્ને સંગઠનોને સાથે રાખીને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યક્રમ અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં બન્ને સંગઠનો દ્વારા સજ્જતા કસોટીને સમર્થન આપવામાં આવ્યું હતું, પરંતુ હવે વર્તમાન સમયમાં એક સંગઠન સજ્જતા કસોટીના વિરુદ્ધમાં છે અને બીજું સંગઠન પરીક્ષા આપી રહ્યું છે. ત્યારે આ તમામ વિરોધ વચ્ચે રાજ્યમાં કુલ 1.50 લાખ શિક્ષકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી કુલ 1.25 લાખ શિક્ષકોએ પરીક્ષાના કોલ-લેટર ડાઉનલોડ કર્યા છે.
પરીક્ષાની અસર શિક્ષકોની કારકિર્દી પર નહિ પડે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષક સજ્જતા કસોટીના પરિણામની શિક્ષકોની કારકિર્દી પર કોઈ પણ પ્રકારની અસર થશે નહીં. જો પરીક્ષા નહીં આપી હોય તો પણ શિક્ષકોને ભવિષ્યમાં મળતા તમામ લાભો, પ્રમોશન તમામ યથાવત જ રહેશે. જેથી કોઈ પણ શિક્ષકે આફવાઓમાં આવવું નહીં.