- વાવાઝોડામાં કાચી ઈંટો પલળીને માટી થઈ ગઈ
- એસોસિએશને સર્વે કરાવીને સહાય આપવાની માગ કરી
- કોરોનાને પગલે ઈંટોને લગતું કામ મોડું થયું
તૌકતેના કારણે રાજ્યના 25,000 જેટલા ઈંટ ઉત્પાદકોને 250 કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ
ગાંધીનગરઃ ગુજરાતમાં આવેલા વાવાઝોડાને કારણે ઈંટ ઉત્પાદકોને ભારે નુકસાન થયું છે તેનો સર્વે કરાવી સહાય આપવાની માગ ગુજરાત બ્રિકસ મેન્યુફેકચરર્સ ફેડરેશન દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં નાના 25,000 જેટલા ઉત્પાદકો છે, જ્યારે મોટા 2,500 જેટલા ઉત્પાદકો આવેલા છે. વાવાઝોડાને પગલે તાત્કાલિક ધોરણે આનો મહેસુલ વિભાગ દ્વારા સર્વે કરાવીને સહાય આપવાની માગ ગુજરાત બ્રિકસ મેન્યુફેકચરર્સ ફેડરેશન દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાને પગલે કચ્છમાં બાગાયતી પાકને થયેલા સંભવિત નુકસાન અંગે સર્વે શરૂ
ફેડરેશનના પ્રમુખનો દાવો કે પ્રત્યેક ઇંટવાળાને 4થી 5 લાખ રૂપિયા સુધીનું નુકસાન
આ ફેડરેશનના પ્રમુખ દેવેન્દ્ર પ્રજાપતિના જણાવ્યા અનુસાર વાવાઝોડાને કારણે નાના ઇંટ પકવતા ઉત્પાદકોને અંદાજે 4થી 5 લાખ રૂપિયા સુધી નુકસાન થયું છે. આ જ રીતે મોટા ઉત્પાદકોને આશરે 40થી 50 લાખ રૂપિયા સુધીનું નુકસાન થયું છે તેઓ તેમણે દાવો કર્યો છે. આમ એકંદરે વાવાઝોડાને લઈને ગુજરાતમાં ઈંટ ઉત્પાદ કર્તાઓને અંદાજે 250 કરોડ રૂપિયા સુધીનું નુકસાન થયું હોવાનું તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને નુકસાનની ભરપાઈ કરવામાં આવે તેવી તેમણે વિનંતી કરી હતી.
વીમા કવરેજ પોલીસની જોગવાઈ કરવાની માંગણી કરી
દેવેન્દ્ર પ્રજાપતિએ વધુમાં કહ્યું હતું કે, કોરોના અને કમોસમી વરસાદથી થતા નુકસાન સામે વીમા કવરેજ પોલીસની જોગવાઈ કરવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે, હજુ સુધી આ સંદર્ભે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ખેડૂતોના પાક વીમાની જેમ ઇંટના ભઠ્ઠાઓ થયેલા નુકસાન સામે રક્ષણ મળે તેવી પોલીસી બનાવવા અમે સરકારને વિનંતી કરી રહ્યા છીએ. ગુજરાતમાં આવેલી ઈંટ ભઠ્ઠોઓમાં અંદાજે 7 લાખ મજૂરોને રોજગારી આપતો આ લઘુ ઉદ્યોગ છે. આ સાથે રાજ્ય સરકારને ઈંટ ભઠ્ઠા દ્વારા રોયલ્ટી, મહેસુલ તથા GSTથી અંદાજે કરોડો રૂપિયાની આવક પણ પ્રાપ્ત થાય છે.