- ભાજપ માટે ફાયદકારક નિવડેલી પેજ સમિતિના પ્રણેતા
- ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે એક વર્ષ પૂર્ણ કર્યું
- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પાઠવ્યા અભિનંદન
ન્યૂઝ ડેસ્ક : ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે આજે 20 જુલાઈના રોજ પ્રદેશ પ્રમુખ તરીકે 1 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. તેઓ હાલમાં લોકસભાના મોનસૂન સત્ર માટે દિલ્હી હોવાથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા હતા. જ્યાં બન્નેએ વિવિધ રાજકીય મુદ્દાઓને લઈને ચર્ચા કરી હતી.
2019માં સૌથી વધુ માર્જિનથી જીતનારા ત્રીજા સાંસદ
વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તેમણે નવસારી મતક્ષેત્રમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જેમાં તેઓ 5,58,116 મતોના માર્જિનથી જીત્યા હતા. દેશભરમાં સૌથી વધુ માર્જિનથી જીતનારા ત્રીજા સાંસદ હતા. જ્યારબાદ 20 જુલાઈ 2020ના રોજ જીતુ વાઘાણી બાદ ગુજરાત ભાજપના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.
તેમને તૈયાર કરેલી પેજ સમિતિ ફાયદાકારક નીવડી
તેમના દ્વારા તૈયાર કરાયેલી પેજ સમિતિની વ્યૂહ રચનાના કેન્દ્રીય કક્ષાએથી પણ વખાણ કરવામાં આવ્યા હતા. લોકસભાની ચૂંટણીથી લઈને ગત ફેબ્રુઆરી મહિનામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ પેજ સમિતિના કારણે ભાજપને સારો એવો ફાયદો થયો હતો. જ્યારબાદ કોરોના મહામારીમાં પેજ સમિતિની કાર્યરચના મુજબ કાર્યકર્તાઓને ખૂણેખૂણે પહોંચીને મદદ કરવાનું પણ જણાવ્યું હતું.
એક સમયે સુપરસ્પ્રેડર તરીકે પણ નામના મેળવી હતી
કોરોના કાળ દરમિયાન યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિવિધ ચૂંટણીલક્ષી કાર્યક્રમો અને રાજ્યભરમાં વિવિધ જગ્યાઓ પર કોવિડ કેર સેન્ટર્સના ઉદ્ઘાટન સમયે તેમને જાહેર મેળાવડાઓ યોજ્યા હતા. આ મેળાવડાઓમાં લોકો તેમજ સી.આર. ખુદ માસ્ક વગર જોવા મળ્યા હતા અને કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા. આ ધજાગરાના કારણે રાજ્યભરમાં તેમને સુપરસ્પ્રેડર તરીકે નામના પણ મેળવી હતી.