કેન્દ્ર સરકારના નાગરિકતા બિલનો જે રીતે વિરોધ થઈ રહ્યો છે, તેને ધ્યાનમાં રાખીને ગુજરાત ભાજપ દ્વારા એક ખાસ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના તમામ પ્રધાનો અને તમામ હોદ્દેદારો મંગળવારે ગુજરાતના વિવિધ ભાગમાં મોટી રેલી યોજીને નાગરિકતા બિલથી કોને ફાયદો છે? કોને નુકસાન છે? અને દેશની જનતાને તેનાથી શું ફાયદો છે ? તે અંગેની જાણકારી આપશે.
રાજ્યના તમામ પ્રધાનો દ્વારા NRC અને CAAના સમર્થનમાં રેલીનું આયોજન - ભાજપની રેલી
ગાંધીનગર: કેન્દ્ર સરકારના નાગરિકતા બિલ અંગે ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. જેમાં વિરોધની આગ ગુજરાત સુધી પહોંચી છે. જ્યારે અમદાવાદ, રાજકોટ, બરોડા અને ભરૂચમાં વિરોધને લઈને પોલીસ પર હુમલા પણ કરવામાં આવ્યા હતા. ત્યારે આ બિલ શું છે? તેનાથી શું થશે? તે અંગે માહિતી સાથે મંગળવારે રાજ્યના તમામ પ્રધાનો રેલી યોજીને જાહેર જનતાને આ બિલ અંગે માહિતી આપશે.
મંગળવારે સુરત ખાતે 10:00 વાગ્યે રાજ્ય કક્ષાના આરોગ્યપ્રધાન કુમાર કાનાણી રેલી યોજવાના છે. ત્યારબાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અમદાવાદમાં, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મહેસાણામાં, મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ ગાંધીનગરમાં રેલી યોજવાના છે. પ્રધાનો દ્વારા આયોજીત રેલીમાં જાહેર જનતાને નાગરિક્તા બિલ અંગે માહિતી આપવામાં આવશે.
આ ઉપરાંત ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા લેવાયેલી જાહેર પરીક્ષાના પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ વિદ્યાર્થી ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી રાજ્ય સરકારે SITની રચના કરી હતી. જેના રિપોર્ટ બાદ સરકારે આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા ગત બુધવારના રોજ ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને લઇને સેક્ટર 7 પોલીસની વિવિધ 10 જેટલી ટીમ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તપાસ અર્થે પહોંચી છે અને સોશિયલ મીડિયામાં ક્યાંથી પેપર લીક થયું તે અંગેની તપાસ કરશે.