- રાજ્યના પ્રાથમિક શિક્ષકો બાદ હવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો કરશે આંદોલન
- જૂની માંગણીઓ અને ભરતી બાબતે કરવામાં આવશે આંદોલન
- 3 દિવસ પ્રતીક ઉપવાસ કરીને કરવામાં આવશે વિરોધ
ગાંધીનગર: ગુજરાતમાં શિક્ષણ વિભાગ જેટલું બાળકોના શિક્ષણમાં પ્રખ્યાત નથી તેટલું તો શિક્ષકોના આંદોલન અને વિરોધ પ્રદર્શનમાં પ્રખ્યાત થઈ રહ્યું છે. પ્રાથમિક શિક્ષકોના વિરોધ બાદ હવે રાજ્યના ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો દ્વારા આંદોલનની ચીમકી આપવામાં આવી છે. પડતર માંગણીઓને લઇને રાજ્ય સરકાર વિરુદ્ધ 13થી 15 સપ્ટેમ્બર સુધી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતિક ઉપવાસ કરીને સરકારનો વિરોધ કરવામાં આવશે.
13થી 15 સપ્ટેમ્બર સુધી પ્રતીક ઉપવાસ
શિક્ષકો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો દ્વારા 13થી 15 સપ્ટેમ્બર સુધી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતિક ઉપવાસ કરવાની ચીમકી આપવામાં આવી છે. સાથે જ શિક્ષકોએ માંગણી કરી છે કે, રાજ્ય સરકાર સમક્ષ છેલ્લા કેટલાય સમયથી પડતર માંગણીઓ પૂર્ણ કરવાની અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરાતા હવે આંદોલન કરીને માંગણી સંતોષવાનો દ્રઢ નિર્ણય શિક્ષકો દ્વારા કરવામાં આવ્યો છે.