- મકરબામાં આવેલી અદાણી વિદ્યા મંદિર કોવિડ કેર સેન્ટરમાં ફેરવાશે
- કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજન સહિતની તમામ સુવિધા હશે
- ટાટા અને રિલાયન્સ બાદ અદાણી ફાઉન્ડેશને પણ શરૂ કર્યું કોવિડ સેન્ટર
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની વર્તમાન સ્થિતિને જોતા અનેક સંસ્થાઓ કોરોનાના દર્દીઓની સેવા કરવા આગળ આવી રહ્યા છે. ત્યારે રિલાયન્સ અને ટાટા ગૃપે પણ કોવિડ કેર સેન્ટર શરૂ કર્યા છે. તો હવે આ સેવાકાર્યમાં અદાણી ફાઉન્ડેશન પણ જોડાયું છે. અદાણી ફાઉન્ડેશન અમદાવાદના મકરબામાં આવેલી અદાણી વિદ્યા મંદિરને કોવિડ કેર સેન્ટરમાં ફેરવશે. અહીં ઓક્સિજન સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પણ વાંચોઃકડીમાં કોરોના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બનેલું મેઘના કોવિડ સેન્ટર ષડ્યંત્રથી કરાયું બંધ
સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ભારણ ઘટાડવાનો નિર્ણય
અમદાવાદ શહેરમાં આવેલા સરકારી અને ખાનગી આરોગ્ય માળખા ઉપરનું ભારણ ઘટે તે હેતુથી શરૂ થનારા આ સેન્ટરમાં પોતાના પરિવારોથી આઈસોલેશનમાં રહેલા લોકોની સંભાળ લેશે. આઈસોલેશન હેઠળના લોકો માટેની આ સગવડથી તેમના પરિવારના અન્ય સભ્યોનું પણ સંક્રમિત થવા સામે રક્ષણ થશે અને કોવિડ-19ના ફેલાવાની ગતિને ધીમી પાડવામાં ભાગ ભજવશે.
આ પણ વાંચોઃવડોદરા હોસ્પિટલોમાં દર્દીઓના સગાઓ માટે સાંસદ રંજનબેન દ્વારા ભોજન શરૂ કરાયું
કોવિડ સેન્ટર શરૂ કરવા યુદ્ધના ધોરણે કામ શરૂ
અદાણી ફાઉન્ડેશને યુદ્ધના ધોરણે આંતરમાળખું ઉભુ કરવાના વિશાળ અનુભવને કામે લગાડીને અદાણી વિદ્યા મંદિરમાં જરૂરિયાતને અનુરૂપ માળખું ઉભુ કરશે. શાળાના શિક્ષણ આપતા ખંડોને જીવન ખંડોમાં અર્થાત વિદ્યા દાનમાંથી જીવનદાનમાં ફેરવવામાં આવશે.
કોવિડ સેન્ટરમાં તમામ સુવિધા હશે
અદાણી વિદ્યા મંદિરના કોવિડ કેર સેન્ટર મારફત અદાણી ફાઉન્ડેશન દર્દી માટે બેડ, પોષણયુક્ત આહાર અને તબીબી સંભાળની વ્યવસ્થા પૂરી પાડશે. રૂપાંતરની આ પ્રક્રિયામાં દર્દીઓ અને તબીબી અધિકારી બન્ને માટે રહેવા અને આરામ માટે એકમોની વ્યવસ્થા, શ્વાસ લેવામાં તકલીફના લક્ષણો ધરાવતા દર્દીઓને મેડિકલ ઓક્સિજન પૂરો પાડવાની ટેક્નિકલ સુવિધા ઉભી કરવી, તબીબી પૂરવઠાના પર્યાપ્ત જથ્થાની વ્યવસ્થા અને તબીબી, સંદેશા વ્યવહાર અને મોનિટરિંગ સિસ્ટમ માટે એક અલાયદા રૂમની સ્થાપના શામેલ છે. સરકાર, શહેરના વહીવટી તંત્ર અને રાજ્યના આરોગ્ય સત્તાધિકારીઓ દ્વારા જરુરી નોંધણી, રિપોર્ટિંગ અને સલામતીના નીતિનિયમો સંબંધી કાર્યમાં અદાણી ફાઉન્ડેશનની ટુકડીઓ પણ મૂકવામાં આવશે.
મુખ્યપ્રધાન રૂપાણી સાથે ચર્ચા બાદ લેવાયો નિર્ણય
અદાણી ફાઉન્ડેશન આ અભૂતપૂર્વ પરિસ્થિતિમાં કેવી રીતે યોગદાન આપી શકે તેવી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથેની ચર્ચા દરમિયાન ગૃપ દ્વારા 3-4 દિવસમાં કોવિડ કેર સેન્ટર ઉભું કરવાની પડકારજનક કામગીરી હાથ ધરવામાં આવી હોવાની જાણકારી અદાણી ફાઉન્ડેશને આપી હતી.
મેડિકલ સાધનોની આયાત કરવામાં આવી
અદાણી ગૃપે તેના વૈશ્વિક વ્યાપારી સંબંધો અને પરિવહનના વિશાળ અનુભવનો ઉપયોગ કરીને અતિઆવશ્યક એવા ઓક્સિજનના પૂરવઠા માટે 40+ ISO, ક્રાયોજેનિક ટાંકાઓ, 100થી વધુ ઓક્સિજન બેડની હોસ્પિટલને સહારો પાડવા પ્રત્યેક સક્ષમ એવા 20 ઓક્સિજન પ્લાન્ટ્સ, 120 ઓક્સિજન કોન્સટ્રેટર્સ 5,000 ઓક્સિજન સિલિન્ડર્સની આયાત સિંગાપોર, સાઉદી અરેબિઆ, થાઇલેન્ડ અને દુબઈમાંથી કરી છે. આ ઉપરાંત ગૃપ ઓક્સિજનના નિરંતર ધોરણે રીફિલિંગ માટે ઘણી જગ્યાએ સહયોગ કરે છે. અદાણી ગૃપ નોઈડામાં પણ આ પ્રકારનું કોવિડ કેર સેન્ટર ઉભું કરવા માટે નોઇડા સત્તામંડળ સાથે ઘનિષ્ઠ રીતે કામગીરી કરી રહ્યું છે.