- ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આપની એન્ટ્રી
- 44 માંથી 1 બેઠક પર જીત મેળવી કોર્પોરેશનમાં કરી એન્ટ્રી
- આપએ કુલ 40 ઉમેદવારોને મુક્યા હતા ચૂંટણી મેદાને
ગાંધીનગર : ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ( Gandhinagar Municipal Corporation)માં 3 ઓક્ટોબરના દિવસે મતદાન યોજાયું હતું અને આજે મંગળવારે સવારે ૯ કલાકથી મતગણતરી(GMC Result ) શરૂ થઈ હતી. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તમામ વોર્ડમાં ભાજપની પેનલ આગળ રહી હતી, પરંતુ અંતે વોર્ડ નંબર 6 માં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના ઉમેદવાર તુષાર પરીખની જીત થઈ છે. તેમણે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને ટક્કર આપીને જીત મેળવી છે.
17 ટકા મત આપને ફાળે
ચૂંટણીનું પરિણામ સ્પષ્ટ થયા બાદ આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થયેલા કુલ મતદાન પૈકી 17 ટકા જેટલા મત આમ આદમી પાર્ટીને આપવામાં આવ્યા છે, આમ ભાજપ અને કોંગ્રેસ પક્ષ સામે જોવા જઈએ તો આમ આદમી પાર્ટીની હાર થઈ છે, પરંતુ 17 ટકા મત ગાંધીનગરની જનતાએ આપેલા છે, એટલે એ અમારી જીત થઇ છે.
તુષાર પરીખ 56 કલાકથી સુતા જ નહીં
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં માત્ર એક બેઠક જીતનાર આમ આદમી પાર્ટીના વિજેતા થયેલા ઉમેદવાર તુષારે ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ 56 કલાકથી સુઈ શક્યા ન હતા, જ્યારે ચૂંટણીના કારણે મતદાન પ્રક્રિયા, લોકોને મત આપવા માટેની અપીલ અને મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા પછી સ્ટ્રોંગરૂમની જવાબદારી પણ તેમના શીરે આપવામાં આવી હતી, આમ આ તમામ કારણોસર તેઓ 56 કલાક સુધી સુઈ શક્યા ન હતા.