- ગેરકાયદેસર એન્ટીબાયોટીક દવા બનાવી વિદેશમાં નિકાસ કરતી કંપનીમાં ફૂડ એન્ડ ડ્રગ્સની રેડ
- “એક્ઝાક્લેવ-625 ટેબલેટ”નો જથ્થો જપ્ત
- આશરે 63 લાખની કિંમતનો જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર: જિલ્લાના કલોલ તાલુકાના હાજીપુર મુકામે સ્થિત ગેરકાયદેસર રીતે એન્ટીબાયોટીક દવા બનાવી વિદેશમાં નિકાસ કરતી સનલોવિસ ફાર્માસ્યુટીકલ્સ LLP કંપનીમાં રેડ કરીને ‘એક્ઝાક્લેવ- 625’ ટેબલેટનો આશરે રૂપિયા 63 લાખની કિંમતનો જથ્થો જપ્ત કરી કંપનીના ભાગીદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વગર પરવાનગીએ કંપની કઈ રીતે હતી કાર્યરત
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ વધુ વિગતો આપતા જણાવ્યું છે કે, મે. સનલોવિસ ફાર્માસ્યુટીકલ્સ LLP, ગાંધીનગર છેલ્લા ત્રણ વર્ષની ઉત્પાદન પરવાનગી ધરાવે છે. આ પેઢીના ભાગીદાર પ્રવિણભાઇ ચૌધરી અને તેની ટેકનીકલ ટીમ દ્વારા મે. ફાઇનક્યોર ફાર્મા, ઉત્તરાખંડના નામે “એક્ષક્લેવ-625 કો- એમોક્ષીક્લેવ ટેબલેટ બી.પી. (Exaclav-625 Co-Amoxiclav Tablet B.P.)”ની બનાવટનું ગેરકાયદેસર ઉત્પાદન કરતા પકડાયા છે. આ રેડ દરમિયાન 4,20,000 જેટલી “એક્ઝાક્લેવ- 625” ટેબલેટનો આશરે રૂપિયા 63.00 લાખની કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. “એક્ઝાટીલ ડ્રાયસીરપ(Exatil Dry Syrup)” બ્રાન્ડનેમની બનાવટનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. જે મે. બ્રુસેલ્સ લેબોરેટરી પ્રા. લી., ચાંગોદર, અમદાવાદના પરવાના નં.G/1010, નામ અને સરનામાંનો ઉપયોગ કરીને બનાવટી દવાનું ઉત્પાદન કરવામાં આવતુ હતું. “એક્ઝાક્લેવ-625 ટેબલેટ”ના તૈયાર 1850 કાર્ટન તથા એલ્યુમીનીયમ ફોઇલના રોલ જેના પર પણ Batch No. B2635, Mfg. Dt. 01/2021, Exp. Dt. 12/2022 છાપી અને બ્લિસ્ટર / એલુએલુ પેકિંગ માટે તૈયાર માલ આગળની કાર્યવાહી માટે જપ્ત કરવામાં આવ્યો છે. આ રેડ દરમિયાન કુલ 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.