- મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાઈ ઉચ્ચ સ્તરીય બેઠક
- બેઠકમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં મ્યૂઝિયમ બનાવવા લેવાયો નિર્ણય
- મ્યૂઝિયમમાં દેશી રજવાડાઓના ઈતિહાસની ગાથા બતાવવામાં આવશે
- આવનારી પેઢીમાં રાષ્ટ્રીય એકતાની ભાવના ઊજાગર કરવાનો પ્રયાસ
- 562 દેશી રજવાડાઓના ભારતમાં વિલિનીકરણના દસ્તાવેજો પણ જોઈ શકાશે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં બનશે મ્યૂઝિયમ, દેશી રજવાડાઓના ઈતિહાસની ગાથા જોઈ શકાશે
ગાંધીનગરઃ કેવડિયા ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહેલાથી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. તેવામાં હવે આ પ્રતિમાના પરિસરમાં મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ગાંધીનગરમાં શુક્રવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં એક મ્યૂઝિયમ બનાવવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવા નિર્માણ પામનારા મ્યૂઝિયમમાં લોકો દેશી રજવાડાઓની ગાથા જોઈ શકશે.
રજવાડાઓના ઈતિહાસથી લોકો પરિચિત
આ સાથે જ રજવાડાઓના ઈતિહાસથી લોકો પરિચિત થશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલે દેશની આઝાદી બાદ 562 દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરી એક અને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યુ છે.તેમની ગૌરવવંતી સ્મૃતિ અને ઈતિહાસ આવનારી પેઢીઓ સુધી અકબંધ સચવાઈ રહે તે માટે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આ મ્યૂઝિયમ નિર્માણ પામશે. આ ભવ્ય મ્યૂઝિયમથી વર્તમાન અને આવનારી પેઢીમાં રાષ્ટ્ર એકતા ભાવનાનો ઇતિહાસ ઊજાગર થશે.