રાજ્યમાં જાતિ પ્રમાણ જળવાઇ રહે તે માટે કુરિવાજો, અંધશ્રદ્ધા અને ગર્ભપાત તથા જાતીય પરિક્ષણ અટકાવવું ખૂબ જરૂરી છે. આ પ્રકારનું પરીક્ષણ કરી આપતા વ્યક્તિઓ સામે કાયદા અનુસાર સખત પગલા ભરવા માટે ગાંધીનગર જિલ્લા કલેક્ટર કુલદીપ આર્યએ 'બેટી બચાવો બેટી પઢાવો' યોજનાના અસરકાર અમલીકરણ માટે જણાવ્યું હતું.
રાજ્યમાં જાતિનું પ્રમાણ જળવવા કલેક્ટર દ્વારા ગાંધીનગરમાં બેઠક યોજાઈ - જાતિ પ્રમાણ જળવાઈ તે મુદ્દે કલેક્ટર દ્વારા બેઠક
ગાંધીનગર: ગાંધીનગર કલેકટરની અઘ્યક્ષતામાં મળેલી ટાસ્ક ફોર્સ સમિતિની બેઠકમાં વિવિધ કચેરીઓ, સંસ્થાઓ, કેન્દ્રો, બિનસરકારી સંસ્થાઓના સંકલન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગર જિલ્લામાં મંજૂર થયેલા એક્શન પ્લાન મુજબ આગામી સમયમાં જ્યાં દિકરી જન્મ દર નીચો હોય તે દરેક શહેર, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં બેટી બચાઓ બેટી પઢાઓ હેઠળ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા સુચારું આયોજન અંગેની ચર્ચા-વિર્મશ કરવામાં આવી હતી.
કલેકટર કુલદીપ આર્યએ કહ્યુ કે, 'બેટી બચાવો અભિયાન થકી આજે સમાજમાં દીકરા-દીકરી એક સમાનનો ભાવ કેળવાઇ રહ્યો છે. તેમ છતાં અમુક વિસ્તારમાં કુરિવાજો, અંઘશ્રદ્ધા અને ઓછી જાગૃતિના કારણે જાતીય પરીક્ષણ ખાનગી રીતે કરાવી ગર્ભમાં જ દીકરીને મારી નાખવાનું કૃત્ય થતું હોય છે. જેથી સમાજમાં દીકરીઓનું મહત્વ શું છે, દીકરીઓને કેમ શિક્ષણ આપવું અને દીકરીઓની સલામતી જેવી અનેક બાબતોની જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિકરી જન્મદરને પ્રોત્સાહન આપવા માટે જ્યાં દિકરીઓનો જન્મ થશે ત્યાં કુટુંબને દિકરી વધામણા કીટ આપવામાં આવશે.'
જિલ્લા વિકાસ અધિકારી આર.આર. રાવલે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા દિકરીના જન્મને પ્રોત્સાહન આપવા અને ગર્ભ પરિક્ષણ તથા જાતીય પરિક્ષણ અટકાવવા તેમજ દિકરીની સુરક્ષા-સલામતી વધારવા દિકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધારવા બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન અમલી બનાવ્યું છે. આ અભિયાનનો અસરકારક અમલ થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર સાથે સમાજની સામાજિક-ઘાર્મિક અને અન્ય તમામ સંસ્થાઓનો સહયોગ ખૂબ જરૂરી છે. આ કામની જવાબદારી માત્ર સરકાર અને જિલ્લા વહીવટી તંત્રની સાથે દરેક સમાજની પણ છે.