- ગાંધીનગર ખાતે શાળા આરોગ્ય કાર્યક્રમની સ્ટીયરીંગ કમિટિની બેઠક યોજાઇ
- રાજ્યમાં દરેક બાળકોની થશે આરોગ્ય તપાસ
- શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ 18 વર્ષની ઉમરના કોઈપણ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આવરી લેવાશે
ગાંધીનગર: રાજ્યનું બાળક સંપૂર્ણ સ્વસ્થ હોય તો રાજ્ય અને દેશનો ભવિષ્ય પણ સ્વસ્થ બનતું હોય છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ (Nitin Patel) ના અધ્યક્ષસ્થાને ગુરુવારે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની સ્ટીયરીંગ કમિટીની બેઠક (Steering Committee Meeting) માં શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમની સમીક્ષા કરવામાં આવી હતી. પ્રતિ વર્ષ બાળકોના આરોગ્યની ચિંતા કરીને આ કાર્યક્રમ હેઠળ રાજ્યના 0થી 18 વર્ષની વય ધરાવતા 1.5 કરોડથી વધુ વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે. આ ચકાસણી દરમ્યાન ગંભીર બિમારી ધરાવતાં વિદ્યાર્થીઓને લાખો રૂપિયાની વિનામૂલ્યે સારવાર રાજ્ય સરકાર દ્વારા પુરી પાડવામાં આવે છે. જેની વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
બાળકો અને વિધાર્થીઓને વિનામૂલ્યે સારવાર
શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત 18 વર્ષની ઉમરના શાળાએ જતા અને ન જતા વિદ્યાર્થીઓને આવરી લેવાતા હતા. આ વર્ષે કોઈપણ ક્ષેત્રે અભ્યાસ કરતા એટલે કે, ITI, કોલેજ, ડીગ્રી-ડીપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ આવરી લેઇને વિનામૂલ્યે સારવાર આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓને બોલવામાં અને સાંભળવામાં તકલીફ હોય તેવા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે કોકલીયર ઇમ્પ્લાન્ટ પુરા પાડવામાં આવે છે. આ કોક્લીયર ઈમ્પ્લાન્ટનું કોઈ સાધન તુટી જાય, ખોવાઈ જાય કે ચોરાઇ જાય તો તેવા કિસ્સામાં દર્દીને સહાયરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા પચાસ ટકા સહાય આપવાનો પણ નિર્ણય કરાયો છે.
આ પણ વાંચો: રેસીડેન્ટ તબીબોની હડતાલ ગેરવ્યાજબી, ચર્ચા કરવા સરકાર તૈયાર : નીતિન પટેલ