- રાજ્યમાં 83 સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજો
- કોલેજમાં 1,264 જગ્યાઓ ભરાયેલી તેની સામે 506 જગ્યાઓ ખાલી
- 11 જિલ્લામાં એક પણ સરકારી વિજ્ઞાન પ્રવાહની કોલેજ નહિ
ગાંધીનગર : રાજ્યમાં 83 સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજો છે. જેમાં વર્ગ-1ની 13, વર્ગ-2ની 177, વર્ગ-3ની 167 અને વર્ગ-4ની 154 જગ્યાઓ ખાલી છે. આમ, કોલેજમાં 1,264 જગ્યાઓ ભરાયેલી છે. જેની સામે 506 જગ્યાઓ ખાલી છે. રાજ્યના વડોદરા, મહીસાગર, મોરબી જિલ્લામાં એક પણ સરકારી આર્ટસ કે કોમર્સ કોલેજ નથી.
આ પણ વાંચો : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન હબ વચ્ચે MoU
ગ્રાન્ટેડ આર્ટ્સ-કોમર્સ કોલેજમાં 4,324 જગ્યાઓ ખાલી
રાજ્યમાં આવેલી ગ્રાન્ટેડ આર્ટ્સ-કોમર્સ કોલેજોની સંખ્યા 263 છે. જેમા આચાર્યની 65, અધ્યાપકની 1,586, પીટીઆઈની 68, ગ્રંથપાલની 126, વર્ગ-03 ની 1,178 અને વર્ગ-04 ની 1,301 જગ્યાઓ ખાલી છે. ખાલી જગ્યાઓ પૈકી ગ્રંથપાલ વર્ગ-03 અને વર્ગ-04ની 60 ટકા કરતાં વધુ જગ્યાઓ ખાલી છે. સૌથી વધુ ખાલી જગ્યાઓ અમદાવાદ જિલ્લામાં છે.
સરકારી વિજ્ઞાન પ્રવાહની કોલેજોમાં 554 જગ્યા ખાલી
રાજ્યમાં કુલ 33 સરકારી વિજ્ઞાન પ્રવાહની કોલેજો આવેલી છે. જેમાં મોરબી, મહીસાગર, ખેડા, વડોદરા, આણંદ, પોરબંદર, નર્મદા, બોટાદ, દેવભૂમિ દ્વારકા, અમરેલી અને અરવલ્લી એમ 11 જિલ્લામાં એક પણ સરકારી વિજ્ઞાન પ્રવાહની કોલેજ નથી. સરકારી વિજ્ઞાન પ્રવાહની કોલેજોમાં કુલ 554 જગ્યા ખાલી છે, જે 40 ટકા જેટલી થવા જાય છે. જેમાં તાપી, જુનાગઢ, બનાસકાંઠા, મહેસાણા, નવસારી, અમદાવાદ, ગાંધીનગર અને જામનગરમાં વધુ જગ્યાઓ ખાલી છે.
આ પણ વાંચો : વેરાવળની સરકારી સાયન્સ કોલેજમાં પ્રિન્સિપાલ અને 2 પ્રોફેસર કોરોના સંક્રમિત, ઓફલાઇન શિક્ષણ બંધ
ગ્રાન્ટેડ સાયન્સ કોલેજમાં 1,874 જગ્યાઓ ખાલી
રાજ્યની ગ્રાન્ટેડ વિજ્ઞાન પ્રવાહની કોલેજોમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં માહિતી મળી હતી કે, રાજ્યમાં કુલ 47 ગ્રાન્ટેડ વિજ્ઞાન પ્રવાહની કોલેજો છે. જેમાં આચાર્યની 16 જગ્યાઓ, અધ્યાપકની 673 જગ્યાઓ, પીટીઆઇની 16 જગ્યાઓ, ગ્રંથપાલની 32 જગ્યાઓ, જ્યારે વર્ગ-03ની 554 અને વર્ગ-04ની 583 જગ્યાઓ ખાલી છે. આમ કુલ 1,874 જેટલી જગ્યાઓ ખાલી જોવા મળી છે.