ગાંધીનગર: રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 2200ને વટાવી ગયો છે, રાજ્યના પાટનગરમાં આ આંકડો 17 ઉપર આવી ગયો છે. તેવા સમયે દહેગામ તાલુકાના હાલીસા ગામના પોલીસ કર્મચારીને કોરોના પોઝિટિવ છે. પરંતુ આ અંગેની માહિતી જિલ્લા આરોગ્ય અધિકારી પાસે નથી, તેમને ખબર જ નથી કે આ પ્રકારનો કેસ બન્યો છે.
ગાંધીનગર જિલ્લામાં કોરોના વાઇરસના કુલ 17 કેસ સામે આવ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો પહેલા ગાંધીનગર તાલુકો ત્યારબાદ કલોલ, માણસામાં આ પ્રકારના કેસ સામે આવ્યા હતા. જેમાં દહેગામ તાલુકો બાકી રહ્યો હતો. પરંતુ આજે આ દહેગામ તાલુકો પણ કોરોનાવાઇરસની ઝપટમાં આવી ગયો છે. દહેગામ તાલુકામાં આવેલા હાલીસા ગામમાં રહેતા અને SRP ગ્રુપ 12માં ફરજ બજાવતા પોલીસ જવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે.
હાલીસા ગામમાં રહેતા અને SRP ગ્રુપ 12મા નોકરી કરતો જવાન હાલમાં રાણીપ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જુપીટર મેલ દૂધેશ્વર તરફ ફરજ બજાવી રહ્યો છે, સમગ્ર કંપની સાથે જવાન લોકડાઉનનો ચુસ્ત પણે અમલ કરાવી રહ્યો છે. જેના સેમ્પલ 20 એપ્રિલના રોજ લેવામાં આવ્યા હતા ત્યારે આજે આ રિપોર્ટ આવતા પોઝિટિવ આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ જવાન સપ્તાહમાં એક વખત ઘરે આવતો હતો. ત્યારે હાલમાં આ જવાનો કેસ પોઝિટિવ આવતા સમગ્ર ગાંધીનગર જિલ્લો કોરોનાની ઝપટમાં આવી ગયો છે.
હવે જો આ જવાનનો કેસ ગાંધીનગર જિલ્લામાં ગણવામાં આવે તો ટોટલ આંકડો 18 થઈ શકે છે. ત્યારે આ કેસ કયા શહેરમા ગણાશે, તે આરોગ્ય વિભાગ જ કહી શકે છે. પરંતુ મહત્વની બાબત એ છે કે ગાંધીનગર જિલ્લા આરોગ્ય અધિકારીને દહેગામ તાલુકાના હાલીસા ગામના પોલીસ જવાનને કોરોનાવાઇરસ પોઝિટિવ આવે છે તે બાબતે કંઈ જ ખબર નથી.
આ બાબતે તેમની સાથે ટેલિફોનિક વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે મને આ બાબતે કંઈ જ ખબર નથી. આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે આ વિભાગ કેવી રીતે કામ કરતો હશે ?. બીજી તરફ લોદરાના 90 વર્ષના માજીનો રિપોર્ટ પણ નેગેટીવ આવ્યો છે. ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એક પણ કોરોના વાયરસના દર્દી સારવાર લેતા નથી.