રાજ્યમાં ફરીથી ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ જણાવ્યું કે, રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ ગઈ છે. જેમાં ત્રીજા દિવસે ખેડૂતો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.
ટેકાના ભાવે 8352.21 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરાઈ: કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા - ગાંધીનગર સમાચાર
ગાંધીનગર: કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરી હતી, પરંતુ સોમવારથી ફરીથી રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે. જેમાં રાજ્યના કુલ 144થી વધુ સેન્ટરો ઉપર રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવી શરૂ કરી છે. જેમાં ત્રીજા દિવસે 8352.21 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે.
ત્રીજા દિવસે રાજ્યમાં કુલ 26 જિલ્લાના 105 તાલુકામાંથી મગફળીની ખરીદી કરવામાં આવી છે. જેમાં, 4,137 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું હતું. જ્યારે રાજ્યના અનેક વિસ્તારોની મગફળીમાં ભેજનું પ્રમાણ 8 ટકાથી વધુ હોવાના કારણે મગફળીને રિજેક્ટ પણ કરવામાં આવી છે. ખેડૂતોને રિજેક્ટ કરેલી મગફળીના વેચાણ કરવા માટે પણ સમય આપવામાં આવશે.
ત્રીજા દિવસના અંતે સૌથી વધુ મગફળીનું વેચાણ જામનગરમાં થયું છે. અને તેની સાથે જ બુધવારે કુલ 8352.21 મેટ્રિક ટન મગફળીનીની ખરીદી કરવામાં આવી છે. જેમાં કુલ 4.25 કરોડ રૂપિયા ખેડૂતોને ચુકવવા પાત્ર રહેશે. જ્યારે 325 મેટ્રિક ટન મગફળી ભેજના કારણે રિજેક્ટ કરવામાં આવી છે.