ગાંધીનગરઃ સરખેજ હાઈવે પર અડાલજ વિસ્તારમાં આવેલી હોટેલ ક્રિતીકામાંથી જુગારધામ ઝડપાયું છે. સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ આઈ. ડી. વાઘેલાને જુગાર અંગે બાતમી મળી હતી. જેના આધારે તેઓએ શનિવારે રાત્રે સાડા અગિયાર વાગ્યે રેડ કરી હતી. જેમાં હોટેલના રૂમ નંબર-105 રાઉન્ડ ટેબલ પર જુગાર રમતા શખ્સો મળી આવ્યા હતા. પોલીસે હોટેલ માલિક, જુગારધામનો સંચાલક અને જુગાર રમવા આવેલા 6 શખ્સો મળી કુલ 8ને ઝડપી પાડ્યા હતા.
આ તમામ લોકો પાસેથી 45,300 રોકડા, 33,500ની કિંમતના 9 ફોન, 1.15 લાખની કિંમતના 3 એક્ટિવા અને બે બાઈક, બે રાઉન્ડ ટેબલ, 13 ખુરશી, પ્લાસ્ટિકના ટોકન મળી કુલ 1,97,150નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી નરેશ ઉર્ફે સાંઈરામને તેના ઓળખીતા પરેશભાઈ નામના શખ્સે રૂમ અપાવ્યો હતો. જે માટે રોજનું 3 હજાર રૂપિયા ભાડું ચુકવતો હતો. સાંઈરામ સામે એક મહિના પહેલાં જ સોલા પોલીસ સ્ટેશનમાં જુગારનો ગુનો દાખલ થયો હતો. પોલીસે ઝડપાયેલા આઠ શખ્સો અને જુગાર માટે જગ્યા અપાવનાર પરેશ નામના શખ્સ મળી કુલ 9 સામે જુગારધારા હેઠળ થતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જુગારના આ અડ્ડો છેલ્લા 20 દિવસથી ચાલતો હતો, જે અંગે સ્થાનિક પોલીસ અંધારામાં રહી હતી અને સ્ટેટ સેલે કાર્યવાહી કરી હતી. હોટેલ માલિક પાસે દેશી બનાવટની રિવોલ્વર મળીસ્ટેટ સેલની રેડ દરમિયાન હોટેલ માલિક કુલદીપરાજ ઉર્ફે રાજભા ભાનુપ્રસાદ ગઢવી (33 વર્ષ, ગઢવી સોસા. નવરંગપુરા) રૂમ નંબર-110 ખાતે બેઠો હતો. જેને પગલે પોલીસે ત્યાં જઈને તપાસ કરતાં રૂમની તપાસ કરતા લાકડાના કબાટમાંથી લેધર કવરમાં રાખેલી દેશી બનાવટની રિવોલ્વર મળી આવી હતી. આરોપી 7 મહિના પહેલાં રાજસ્થાનના રણુજા ખાતેથી 2700 રૂપિયામાં લાવ્યો હતો. જેને પગલે પોલીસે રિવોલ્વર જપ્ત કરીને આરોપી સામે હથિયારધારા હેઠળ અલગથી ગુનો દાખલ કર્યો હતો. હોટેલ માલિક કુલદીપ છેલ્લા 2 વર્ષથી હોટેલ ચલાવે છે, મહિને 70 હજારના ભાડે જમીન રાખીને તેણે અહીં ગેસ્ટહાઉસ બનાવ્યું છે.