ગાંધીનગરઃ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી એક પણ કોરોનાનો કેસ સામે આવ્યો ન હતો. પરંતુ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં ચાર કેસ સામે આવ્યા છે. ત્યારે 24 એપ્રિલના રોજ એક જ દિવસમાં 6 કેસ સામે આવ્યા છે. જેમાં જિલ્લાના 4 કેસ તેમજ 2 કેસ અમદાવાદના છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક ડોક્ટર પણ કોરોના વાઇરસનો ભોગ બન્યા છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ફરજ બજાવતા એસોસિએટ પ્રોફેસરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના પરિવારમાં તેમના પત્ની અને દીકરીને કોરેનટાઇન કરાયા છે. જ્યારથી કોરોના વાઇરસનું સંક્રમણ ચાલુ થયું છે. ત્યારથી આ તબીબ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટર્સમાં વસવાટ કરી રહ્યા છે અને છેલ્લા એક મહિનાથી સિવિલમાં જ ફરજ બજાવી રહ્યા છે. જેમનું સેમ્પલ 23મી એપ્રિલનાં રોજ લેવાયું હતુ. જેનો રીપોર્ટ પોઝેટીવ આવ્યો હતો. ત્યારે આ કેસ સામે આવતા શહેરમાં ફરીથી સંક્રમિત દર્દી સામે આવ્યા છે. તેને લઈને જિલ્લામાં કુલ પોઝિટિવનો આંકડો 20 ઉપર પહોંચ્યો છે, જેમાં અત્યાર સુધી બેના મોત પણ થયા છે.
બીજી તરફ અમદાવાદ સિવિલમાં ફરજ બજાવતી અને ગાંધીનગર શહેરના સેક્ટર 5 માં રહેતી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવતી સ્ટાફ નર્સ તરીકે અમદાવાદમાં ફરજ બજાવી રહી છે ત્યારે તેના પરિવારજનોને પણ કોરેનટાઇન કરવામાં આવ્યા છે. જો કે આ કેસને અમદાવાદમાં ગણવામાં આવશે.