- આ વડ મહાકાળી મંદિર તરીકે આગામી સમયમાં ઓળખાશે
- બે વર્ષમાં કામગીરી પૂર્ણ કરાશે
- વડાપ્રધાન પણ લઈ ચૂક્યા છે આ સ્થળની મુલાકાત
ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 2014માં કંથારપુર વડની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમને મહાકાળી માતાના દર્શન પણ કર્યા હતા. જેથી આ તેમના અન્ય ડ્રીમ પ્રોજેક્ટમાંનો પણ એક છે. તેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કુલ 14 કરોડ રૂપિયાના ખર્ચે આગામી બે વર્ષની અંદર કંથારપુર વડને પ્રવાસન તરીકે ડેવલપ કરવામાં આવશે. જેના માટે બે ફેઝમાં કામગીરી કરવામાં આવશે. પહેલા ફેઝની કામગીરી અત્યારથી શરુ કરી દેવામાં આવી છે.
કંથારપુર વડની આસપાસ જાણો કયા પ્રકારના ડેવલપમેન્ટ થશે?
આ અંગે વધુમાં માહિતી આપતા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર. રાવલે જણાવ્યું કે, કંથારપુર વડની બાજુમાં ધ્યાન-યોગ કેન્દ્ર, આયુર્વેદ સેન્ટર, મ્યુઝિયમ અને આઉટડોર ગાર્ડન બનાવવામાં આવશે. જ્યાં તેનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર વાવ જેવી ડિઝાઈનની એક બિલ્ડિંગ બનશે. અહિં વિશિષ્ટ પ્રકારના સ્ટેપવેલ હશે. આ કામ 2 ફેઝમાં પૂરું કરવામાં આવશે. 14 કરોડ રૂપિયા આ પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવ્યા છે, જેમાં પ્રથમ ફેઝમાં 6 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે ત્યાર બાદ બાકીની રકમ બીજા ફેઝમાં આ પ્રોજેક્ટ માટે ખર્ચ કરાશે ખાસ કરીને, બાંધકામ દરમિયાન વડના મૂળ અને વડવાઈઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે.