ગાંધીનગર: ખંભાતની ભૌગોલિક પરસ્થિતિને ધ્યાનમાં રાખી છાસવારે બનતા બનાવો અટકાવવા માટે સ્થાનિક સાંસદ મિતેશ પટેલ અને ધારાસભ્ય મહેશ રાવલ સહિત પદાધિકારીઓ દ્વારા કરાયેલી રજૂઆતને ધ્યાને લઇને ખંભાત શહેર વિસ્તારમાં અશાંત ધારાનો અમલ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ખંભાત શહેરની ઘટનાને નિયંત્રણમાં લેવા રાજ્ય સરકાર સંનિષ્ઠ પ્રયાસો કરી રહી છે, ત્યારે કોંગ્રેસ તુષ્ટીકરણની રાજનીતિ દ્વારા ગુજરાતનું વાતાવરણ અશાંત થાય તેવા પ્રયાસો કરે છે.
ખંભાત જૂથ અથડામણમાં 47 લોકોની ધરપકડ, તાત્કાલિક SPની બદલી કરવામાં આવી ગત 23 ફેબ્રુઆરીના રોજ 2 જૂથો વચ્ચે અથડામણની ઘટના બની હતી. જેથી ઇન્ચાર્જ SP દિવ્ય મિશ્ર, કાયદો અને વ્યવસ્થાના એડિશનલ DGP ડૉ.નીરજા ગોટરૂ રાવ, અમદાવાદ રેન્જ IG એ.કે. જાડેજા અને આર્મ્ડ યુનિટના IGP પિયુષ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિને નિયંત્રણમાં લઇ લીધી હતી. આ સાથે ખંભાત શહેરમાં 5 SRPની કંપનીઓ, 2 રેપીડેક્શન ફોર્સ અને સ્થાનિક પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ખંભાતની ઘટનાના પડઘા અન્ય જગ્યાએ ન પડે તે માટે રાજ્યના DGP શિવાનંદ ઝાને ખંભાત જવા રવાના કરી દેવાયા છે. ખંભાતના SP રજા પર હોવાથી અમદાવાદ શહેરના DCP ટ્રાફિક અજીત રાજીયાનની આણંદ જિલ્લાના SP તરીકે નિમણૂંક કરી દેવામાં આવી છે, તથા ખંભાતના DYSP તરીકે ભારતીબેન પંડ્યાની પણ નિમણૂંક કરી દેવામાં આવી છે. આ ઉપરાંત PSI અને PIની બદલી કરી દેવામાં આવી છે.
રાજ્ય ગૃહ પ્રધાને વધુમાં કહ્યું કે, રાજ્યમાં શાંતિ, સલામતી અને સૌહાદપૂર્ણ વાતાવરણ જળવાઇ રહે એ અમારી પ્રાથમિકતા છે અને રહેશે. ખંભાત શહેરમાં થયેલા તોફાનો સંદર્ભે CCTVના ફૂટેજ ચકાસીને કસૂરવારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અત્યારસુધીમાં 4 બનાવોમાં ગુના નોંધીને 47 જેટલા તોફાની તત્વોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર શહેર અને જિલ્લામાં મોટા પ્રમાણમાં કોમ્બીંગની કાર્યવાહી પણ શરૂ કરી દેવાઇ છે. જે તોફાની તત્વોએ ખંભાતના વિવિધ વિસ્તારોમાં ષડયંત્ર રચીને શાંતિ હણવાનો જે હિન પ્રયાસ કર્યો છે, તેને સહેજ પણ ચલાવી લેવાશે નહી.