- રાજ્યમાં 3,92,418 શિક્ષિત બેરોજગાર અને 20,566 અર્ધશિક્ષિત બેરોજગાર
- કુલ 4,12,985 બેરોજગારો
- 2 વર્ષમાં માત્ર 1,777 બેરોજગારોને સરકારી નોકરી આપવામાં આવી
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સેશનમાં પ્રશ્નોતરી કાળ ચાલી રહ્યો છે. જેમાં બેરોજગારી અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. આ સવાલમાં સરકારે જણાવ્યુ કે, રાજ્યમાં 3,92,418 શિક્ષિત બેરોજગાર અને 20,566 અર્ધશિક્ષિત બેરોજગાર મળીને કુલ 4,12,985 બેરોજગારો નોંધાયા છે, જ્યારે બે વર્ષમાં 1,777 બેરોજગારોને માત્ર સરકારી નોકરી આપવામાં આવી છે. 2 વર્ષમાં રાજ્યમાં મહીસાગર, ખેડા, મોરબી, નર્મદા, નવસારી, ભરૂચ, જૂનાગઢ, અમદાવાદ, સુરત, વડોદરા, કચ્છ, દાહોદ, વલસાડ, તાપી અને ડાંગ મળીને 15 જિલ્લામાં એક પણ સરકારી નોકરી આપવામાં આવી નથી. રાજ્ય સરકારના લાખોને નોકરી આપવાના અને 10 વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ ભરતીના દાવાઓ પોકળ સાબિત થયા છે. મહત્વપૂર્ણ છે કે, રાજ્ય સરકારે બજેટમાં 22 લાખ લોકોને રોજગારી આપવાનો પણ દાવો કર્યો છે.
અમદાવાદમાં 30,000 કરતાં વધુ શિક્ષિત બેરોજગાર
રાજ્યમાં 3,92,418 શિક્ષિત બેરોજગાર સરકારી ચોપડે નોંધાયેલા છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 30,192 શિક્ષિત બેરોજગાર લોકો સરકારી ચોપડે નોંધાયેલા છે, જ્યારે આણંદ જિલ્લામાં 23,439, રાજકોટમાં 19,794, સુરતમાં 17,966, મહેસાણામાં 17,888, ખેડામાં 17,672 શિક્ષિત બેરોજગાર છે. અર્ધ શિક્ષિત બેરોજગાર જોઇએ તો અમદાવાદમાં 34,063 અને આણંદ જિલ્લામાં 24,136 અર્ધ શિક્ષિત બેરોજગાર છે.