- મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક યોજાઈ
- 4 મહાનગરોમાં વરિષ્ઠ સનદી અધિકરીઓને તાકીદે જવાબદારી સોંપવામાં આવી
- કોરોના વેક્સિનેશન સેન્ટરોની સંખ્યા વધારવામાં આવશે
- ફરજીયાત માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સના નિયમોનું ચૂસ્ત પાલન કરાવાશે
- નિયમોના ઉલ્લંઘન સામે ગૃહ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે
ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે બુધવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 1122 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે, ત્યારે આજે બુધવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યાં છે. જેમાં 4 શહેરની જવાબદારી સિનિયર સનદી અધિકારીઓને આપવામાં આવી છે.
વેક્સિનેશન સેન્ટરનો સમય રાત્રે 9 વાગ્યા સુધીનો કરાશે
રાજ્યમાં કોરોના ટેસ્ટીંગની સંખ્યા વધારવા તેમજ કોન્ટેક ટ્રેસીંગ ઉપર વિશેષ ધ્યાન આપવા અને કંન્ટેનમેન્ટ ઝોન જરૂર જણાય ત્યાં વધારવાની સૂચના આપવામાં આવી છે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના વેક્સિનેશનની કામગીરીનો વ્યાપ વધારવા વધુ સેન્ટરો ખોલવા માટે અને કોરોના વેક્સિનેશન સેન્ટરનો સમય રાત્રે 9 વાગ્યા સુધીનો રાખવા માટે પણ આ બેઠકમાં સૂચનાઓ આપી હતી. હાલ સરેરાશ રોજના દોઢ લાખ લોકોનું વેક્સિનેશન કરવામાં આવે છે તે વધારીને ત્રણ લાખ સુધી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં કોરોનાના કેસ વધતા તંત્ર આવ્યું હરકતમાં