- છેલ્લા બે વર્ષમાં 313 સિંહના થયા મોત
- વર્ષ 2020માં 36 સિંહ, 42 સિંહણ અને 81 બાળસિંહના મોત
- છેલ્લા પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં 29 ટકાનો વધારો
અમદાવાદ: વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ પ્રશ્નકાળ દરમિયાન સિંહોના મોતને લઈને વનપ્રધાન ગણપત વસાવાને સવાલો કર્યા હતા. જેમાં વનપ્રધાન ગણપત વસાવાએ સિંહોના મોતને લઈને કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં 313 સિહંના મોત થયા છે. જેમાં વર્ષ 2019 માં 35 સિંહ, 48 સિંહણ અને 71 સિંહબાળના મોત થયા છે. તો વર્ષ 2020માં 36 સિંહ, 42 સિંહણ અને 81 બાળસિંહના મોત થયા છે.
જંગલ વિસ્તારમાં રહેતા સિંહો શહેરી વિસ્તાર તરફ આગળ વધી રહ્યા છે
સિંહના મોતને લઈને કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમમરે કહ્યું કે, સરકાર માત્ર સિંહોની વસ્તી વધારાની વાતો કરે છે. પરંતુ ખરેખર સિંહોના મોતમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લાં બે વર્ષમાં કુલ 313 સિંહોના મોત થયા છે. જેનો ખુલાસો સરકારે વિધાનસભામાં કર્યો છે. સિંહોના મોતને લઈને વિરજી ઠુમ્મરે કહ્યું કે, જંગલ વિસ્તારમાં રહેતા માલધારી સમાજના લોકોને સરકાર દ્વારા બહાર ખસેડવામાં આવ્યા છે. જેને લઈને જંગલમાં વસતા સિંહોને કુદરતી ખોરાક મળતો નથી અને જંગલ વિભાગ દ્વારા બહારના મૃતક મળતા પ્રાણીઓને જંગલ વિસ્તારના સિંહને ખોરાક તરીકે આપવામાં આવે છે. જેની ઉપર આડઅસર થઇ રહી છે. તો જંગલ વિસ્તારમાં રહેતા સિંહો શહેરી વિસ્તાર તરફ આગળ વધી રહ્યા છે. જેનું કારણ પણ સિંહનો ખોરાક જ છે.
ગુજરાત અને દેશનું ગૌરવ એવા સિંહ માટે સરકાર કાર્ય કરી રહી છેઃ વન પ્રધાન ગણપત વસાવા
સિંહના મોતને લઈને વન પ્રધાન ગણપત વસાવાએ વિધાનસભામાં કહ્યું કે, ગુજરાત અને દેશનું ગૌરવ એવા સિંહ માટે સરકાર કાર્ય કરી રહી છે, છેલ્લા પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં 29 ટકાનો વધારો થયો છે. તો વન વિભાગના અધિકારીઓ માટે વાહન, હથિયાર, ટેબલેટની સુવિધા ઉપલબ્ધ કરી સતત પેટ્રોલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેમાં પોલીસ વિભાગ, વન વિભાગ અને પીજીવીસીએલના અધિકારીઓ પણ જોડાય છે. તો સાથે સાથે વન્ય પ્રાણીઓ માટે રેપીડ એકશન ટીમ અને રેસ્ક્યૂ ટીમની પણ રચના કરવામાં આવી છે. વનમાં પ્રવેશતા લોકો માટે ચેકીંગ પોઈન્ટ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેનાથી પરવાનગી વગરના લોકો જંગલ વિસ્તારમાં પ્રવેશી ન શકે.
આ પણ વાંચોઃ સરકારી શાળાઓમાં કેમ ઓરડા ઓછા છે, કોંગ્રેસના સવાલ પર વિધાનસભામાં ઘેરાઈ રાજ્ય સરકાર