ગાંધીનગરઃ 21 સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્રની શરૂઆત થઇ રહી છે, જેમાં 24 બિલ પસાર થશે. સત્રની શરૂઆત પહેલા તમામ ધારાસભ્યોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવશે.
રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, 21 સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર મળી રહ્યું છે, ત્યારે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભા સંકુલની અંદર આવતા તમામ પ્રધાનો અને ધારાસભ્યોના કોરોનાના ટેસ્ટ ફરજિયાત કર્યા છે. ત્યારે 20 સપ્ટેમ્બર રવિવારના રોજ ભાજપના તમામ ધારાસભ્યોના ટેસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભા સંકુલમાં કોઈપણ મુલાકાતીઓને પ્રવેશ માટે પ્રતિબંધ લગાવ્યો છે.
પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ચોમાસા સત્ર દરમિયાન કોઈપણ વ્યક્તિ વિધાનસભા સંકુલની અંદર પ્રવેશી શકશે નહીં. કોઈને પણ જો રજૂઆત કરવી હોય તો તેઓ અન્ય રીતે રજૂઆત કરી શકશે, પરંતુ વિધાનસભા સંકુલમાં આવીને તેઓ મુલાકાત કરી શકશે નહીં.