- ગાંધીનગરમાં 176માંથી 12 બાળકોએ માતા-પિતા બન્નનેની છત્રછાયા ગુમાવી
- દહેગામ તાલુકામાં સૌથી વધુ 6 બાળકોએ પોતાના માતા પિતા ગુમાવ્યા
- દર માસે બાળક દીઠ રૂપિયા ચાર હજાર અઢાર વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધી અપાશે
ગાંધીનગર : કોરોનામાં માતા-પિતાના અવસાનથી અનાથ બનેલા બાળકોને આર્થિક સહાય અને અન્ય પ્રકારની યોજનાનો લાભ આપવામાં આવશે. સરકાર દ્વારા આજથી નક્કી કરવામાં આવ્યું છે કે, 7 જુલાઇથી આ બાળકોને લાભ આપવામાં આવશે. 0થી 18 વર્ષ સુધીની વય જૂથના બાળકો કે જેમને માતા અને પિતા બન્નેનું કોરોનામાં અવસાન થયું છે. તેવા આ બાળકોને આ યોજનાનો લાભ આવકની મર્યાદાને ધ્યાને લીધા સિવાય મળશે.
ગાંધીનગર જિલ્લામાં 139 બાળકોએ પિતાની છત્ર છાયા ગુમાવી
બાળ સુરક્ષા એકમ દ્વારા મળતી માહિતી મુજબ, ગાંધીનગર જિલ્લામાં 176માંથી 12 બાળકોએ માતા અને પિતા બન્નનેની છત્રછાયા ગુમાવી છે. 139 બાળકોએ પોતાના પિતા ગુમાવ્યા છે. 25 બાળકોની માતાનું અવસાન કોરોનામાં જ થયું છે.
દહેગામ તાલુકામાં સૌથી વધુ 6 બાળકોએ પોતાના માતા પિતા ગુમાવ્યા
અનાથ બનેલા બાળકોની તાલુકા પ્રમાણે વિગતો જોવા જઈએ તો, દહેગામ તાલુકામાં સૌથી વધુ 6 બાળકોએ પોતાના માતા પિતા ગુમાવ્યા છે. જ્યારે ગાંધીનગર જિલ્લામાં 4 બાળકોએ તેમના માતા-પિતા ગુમાવ્યા તો કલોલ અને માણસામાં એક-એક બાળકે પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. હવેથી મુખ્યપ્રધાન બાળ સેવા યોજના અંતર્ગત બાળકોને લાભ આપવામાં આવશે.
ગાંધીનગર જિલ્લામાં અનાથ બનેલા બાળકોને મળશે આ લાભો
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ દર માસે બાળક દીઠ રૂપિયા ચાર હજાર અઢાર વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધી આપવામાં આવશે. 18 વર્ષ પૂર્ણ કર્યા પછી પણ જે બાળકનો અભ્યાસ ચાલુ હોય તેને રાજ્ય સરકારની આફ્ટર કેર યોજનાનો લાભ આવક મર્યાદા વિના 21 વર્ષની ઉંમર સુધી મળશે.