ગાંધીનગર જિલ્લામાં 40 નવા કોરોનાના કેસ નોંધાયા
- શહેરમાં 15 જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 25 નવા કોરોનાના કેસ નોંધાયા
- શહેરમાં કુલ દર્દીઓની સંખ્યા 488 પર પહોંચી
- ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં 1047 પોઝિટિવ કેસ નોંધાયા
ગાંધીનગરઃ શહેરમાં એરફોર્સના જવાન અને ટ્રેઝરી વિભાગના ક્લાર્ક સહિત વધુ 15 વ્યક્તિ કોરોનાગ્રસ્ત થયાં છે અને આ સાથે કુલ કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 488 પર પહોંચી છે. શુક્રવારે પાટનગરના નવા સેકટરોની સરખામણીએ જૂના સેકટરોમાં વધુ દર્દીઓ નોંધાયા હતા. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં વધું 25 કેસ સામે આવ્યાં છે.
શહેરમાં કોરોનાના જે નવા કેસ આવ્યા છે તેમાં સે-17 ખાતે રહેતા અને સચિવાલયના બ્લોક નં-12માં ફરજ બજાવતા 62 વર્ષીય ડ્રાઈવર કોરોનામાં સપડાતાં તેમને સિવિલમાં દાખલ કરાયા છે. પાલજની 65 વર્ષીય મહિલા અને ઓનલાઈન બિઝનેસ કરતાં સે-21ના 45 વર્ષીય આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને હોમ આઈસોલેશનમાં રખાયા છે. સે-13 છાપરાના 50 વર્ષીય આધેડ અને સે-24ના 38 વર્ષીય પુરુષનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા ગાંધીનગર સિવિલમાં દાખલ કરાયા છે.
સે-27માં રહેતી 30 વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલ કોરોનામાં સપડાઈ છે અને તેમને હોમ આઈસોલેશનમાં રખાયા છે. એરફોર્સમાં ફરજ બજાવતા 52 વર્ષીય આધેડ કોરોના સંક્રમિત થતાં તેમને અમદાવાદની મિલિટરી હોસ્પિલમાં દાખલ કરાયા છે. સે-26માં રહેતા અને કલોલ નાગરિક બેંકમાં ફરજ બજાવતા 50 વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને હોમ આઈસોલેશનમાં રખાયા છે. સે-22માં રહેતાં અને ટ્રેઝરી ઓફિસમાં ફરજ બજાવતા 58 વર્ષીય મહિલા, સે-22માં રહેતા 16 વર્ષીય વિદ્યાર્થીને કોરોના સંક્રમણ થતાં તેમને ગાંધીનગર સિવિલમાં દાખલ કરાયા છે. ઉપરાંત મોટર્સ ગેરેજ ચલાવતા અને સે-26માં રહેતા 48 વર્ષીય પુરુષ, સે-24ના 75 વર્ષીય વૃદ્ધા કોરોનામાં સપડાતાં તેમને હોમ આઈસોલેશનમાં રખાયા છે.