- કુલ 10,577 કિલોમીટરના રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું
- સરકાર હસ્તક 9,605 કિલોમીટરના રસ્તાનું રિપેરિંગ કરાયું
- ઇજારદારો દ્વારા 1,071 કિલોમીટરના રસ્તા રિપેર કરવામાં આવ્યા
ગાંધીનગર : રાજ્યમાં ચાલુ વરસાદની સિઝનમાં ૧૨૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો હતો. જેના કારણે રાજ્યના અનેક રસ્તાઓની હાલત બિસ્માર થઈ ગઈ હતી. ત્યારે રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં રોડ-રસ્તાનો સર્વે કરાવ્યા બાદ દિવાળી પહેલા તમામ રસ્તાઓનો સંપૂર્ણ તૈયાર કરી દેવામાં આવશે, તેવી જાહેરાત કરી હતી. ત્યારે ગુરૂવારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે નુકસાન થયું હતું તેવા રસ્તાઓનું સમારકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં 10,000 કિલોમીટરથી વધુના રસ્તાઓ ફરીથી તૈયાર કરી દેવામાં આવ્યા છે.
75,000 કિલોમીટરના રસ્તાઓને થયું હતું નુકસાન
રાજ્યમાં ભારે વરસાદના કારણે કુલ 75,000 કિલોમીટરના રાજસ્થાને નુકસાન થયું હતું. જેમાંથી 10,000 જેટલા રસ્તાઓને ભારે નુકસાન થયું હતું. રાજ્ય સરકારના હસ્તક આવતા કુલ 9,605 કિલોમીટરના રસ્તા રાજ્ય સરકારે બનાવ્યા છે. જ્યારે 3 વર્ષની અંદર રસ્તા ખરાબ થઈ જાય તો તે રસ્તાઓ કોન્ટ્રાકરો બનાવવાના હોય છે, તેવા કુલ ૧,૦૭૧ કિલોમીટરના રસ્તાઓ કોન્ટ્રાક્ટર દ્વારા એટલે કે ઇજારદારો દ્વારા બનાવવામાં આવ્યા છે.