વાપી - ડિસ્ટ્રિબ્યુશન ઇનફ્રાસ્ટ્રક્ચર શિક્ટિંગ સ્કીમ (DISS) અંતર્ગત વાપી નગરપાલિકામાં વીજ પુરવઠો પૂરો પાડતા બે 11KV ઓવરહેડ ફીડરોને અંડરગ્રાઉન્ડ કરવા માટેના પ્રોજેકટનું (Underground Cabling Project in Vapi) નાણાપ્રધાન કનુ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, ગાંધીનગર નજીક આકાર લેનાર ગિફ્ટ સીટી સમગ્ર ભારતનું સૌથી મોટું આર્થિક વ્યવસાયનું કેન્દ્ર બનશે. અહીં વિદેશની યુનિવર્સિટીઓ આવશે. એટલે દેશના વિદ્યાર્થીઓએ વિદેશ જવાને બદલે ગુજરાતમાં જ ગિફ્ટ સિટી ખાતે વિવિધ ફાઇનાન્સિયલ અભ્યાસક્રમોનો અભ્યાસ કરી શકશે. તો, સાથે જ ભારત દેશ વિશ્વનો સૌથી વધુ સોનું વાપરતો દેશ હોય સોનાની નિર્ધારિત કિંમત નક્કી કરવામાં અગ્રીમ ભૂમિકા ભજવતો દેશ બનશે. નાણાપ્રધાને આ સુવિધાઓ માટે વડાપ્રધાનનો આભાર માન્યો હતો.
સૌર ઊર્જા ક્ષેત્રે દેશમાં પ્રથમ સ્થાન - નગરપાલિકા વિસ્તારમાં કુલ 1.91 કરોડના ખર્ચે કુલ 2.891 કી.મી.ની હાઇટેન્શન ઓવરહેડ વીજલાઇનને 7.394 કી.મી. અંડરગ્રાઉન્ડ કેબલ દ્વારા ભૂમિગત કરાશે. આ પ્રસંગે કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં આવેલ ઉત્તર, મધ્ય, પશ્ચિમ અને દક્ષિણ ગુજરાત વીજ સંસ્થાનો દ્વારા સૌર ઊર્જા ક્ષેત્રે મહત્વની કામગીરી કરી દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વીજ કટોકટીમાં પણ ગુજરાતમાં વીજ કટોકટી આવી નથી. તો, હાલના વરસાદમાં જિલ્લા અને રાજ્યના તમામ મુખ્ય માર્ગો ખાડા માર્ગ બન્યા છે. જે અંગે સંપૂર્ણ ચોમાસાનો વરસાદ માત્ર 15 દિવસમાં પડી જતા માર્ગો ધોવાયા હોવાનું જણાવી નાણાપ્રધાને જણાવ્યું હતું કે, હાલમાં તેની પુરાણ કામગીરી શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં 70 થી 80 ટકા ખાડાઓને પુરી દેવામાં આવ્યાં છે. તેમજ દર ચોમાસે જે માર્ગ પર ખાડાઓ પડે છે તે માર્ગને RCC બનાવવામાં આવશે.
આ પણ વાંચોઃતૈયાર રહેજો..! બીલીમોરા પાલિકાની આળસ ઉનાળામાં પાણીની સમસ્યા નોતરશે..!