દમણ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દિવમાં હાલ જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. એવામાં JDU (જનતા દલ યુનાઇટેડ) સાથે ગઠબંધન કરી ચૂંટણી લડવાની દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ તૈયારીઓના ભાગરૂપે દમણ-દિવમાં ગત લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી ભાજપને ટક્કર આપનાર યુથ એક્શન ફોર્સના ઉમેશ પટેલને પોતાની સાથે લીધા છે. આ અંગે ઉમેશ પટેલે જણાવ્યું હતું કે, તેને હવે ડેલકરરૂપી ગુરૂ મળ્યા છે. જેમ અર્જુનને કૃષ્ણ મળ્યા હતા તેમ મોહન ડેલકરના માર્ગદર્શનમાં તીર ને વિજયી બનાવીશું.
પત્રકાર પરિષદમાં મોહન ડેલકરે જણાવ્યું હતું કે, જનતાદળ (યુ) નીતીશ કુમારના નેતૃત્વમાં રાષ્ટ્રીય પાર્ટી તરીકેની છાપ ધરાવે છે. નીતીશ કુમારના નેતૃત્વથી લોકો પ્રભાવિત છે. દાદરા નગર હવેલીમાં પણ JDU સાથે લોકો જોડાવા માગે છે અને જોડાઈ રહ્યા છે. પ્રદેશની જનતાને અમારા પર વિશ્વાસ છે. અમે પ્રદેશના પ્રશ્નો ને વાચા આપી એક નવી દિશા આપીશુ.
દમણના યુથ એક્શન ફોર્સના ઉમેશ પટેલે JDU અને દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકર સાથે ગઠબંધન કર્યું ડેલકરે વધુમાં જણાવ્યું હતું JDU સાથેના ગઠબંધનની જાહેરાત બાદ દાદરા નગર હવેલીમાં 70 ટકા ઉમેદવારો નક્કી કરી ચૂક્યા છીએ. બાકીના ઉમેદવારો પણ ટૂંક સમયમાં નક્કી કરીશું. એજ રીતે દમણ-દીવમાં જેડીયુ તરફથી દમણના યુવા નેતા ઉમેશ પટેલ જવાબદારી સોંપી છે. અમને પૂરો વિશ્વાસ છે કે તે લોકોનું સમર્થન મેળવશે. નગરપાલિકા અને જિલ્લા પંચાયતના પ્રચારના મુખ્ય એજન્ડા અંગે ડેલકરે જણાવ્યું હતું કે JDU પક્ષ સંવિધાનમાં માનવવાળો પક્ષ છે. જેના કાર્યકરો સમાજ, ધર્મને સાથે રાખીને ચાલે છે. સંવિધાન, કાનૂન વ્યવસ્થાને માને છે. તે જ સિદ્ધાંત પર પ્રદેશ હિતના મુદ્દાઓ મુખ્ય ચૂંટણી એજન્ડામાં હશે.
પત્રકાર પરિષદમાં ઉમેશ પટેલે પણ ડેલકરને પોતાના ગુરુ બનાવી તેના માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં પ્રદેશ હિતના કાર્યોને અંજામ સુધી પહોંચાડવાની નેમ વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, લોકો પ્રશાસન થી નારાજ છે, ભયભીત છે, સત્તા પક્ષ પર રહેલા ભાજપના પ્રતિનિધિઓ પ્રશાસનની મનમાની સામે ચૂપ બેઠા છે, એટલે જેડીયુ એક માધ્યમ છે. મોહન ડેલકરના માર્ગદર્શન હેઠળ પ્રદેશના લોકોને પ્રદેશ ની સમસ્યાના નિરાકરણની અપેક્ષા છે. પ્રદેશમાં કોંગ્રેસે શરણાગતિ સ્વીકારી લીધી છે કોંગ્રેસનો ગઢ ગણાતી ડાભેલ પંચાયત હવે ભાજપનો ગઢ બની ગઈ છે. ભાજપના નેતાઓ જનહિતના કાર્યોમાં મૌન રહ્યા છે. હાલમાં પણ લોકો પર દબાણ લાવી ગ્રામ પંચાયતને સમરસ કરાવી રહ્યા છે. પરંતુ જનતાને નવો વિકલ્પ મળ્યો છે. એટલે તેને જેટલી પણ દબાવશે તેટલી તે સ્પ્રિંગની જેમ ઉછળશે.
પોતાના ગઠબંધન અંગે ઉમેશ પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી તે એકલો હતો. એકલા હાથે પ્રશાસન સામે અવાજ ઉઠાવતો હતો. હવે તેમને પાર્ટીનું પીઠબળ અને માર્ગદર્શક પણ મળ્યા છે. આવનારા દિવસોમાં કદાચ પ્રશાસન સામે લડવામાં જેલમાં જવું પડે તો પણ તેની ચિંતા નથી. દેશમાં આઝાદી વખતે દેશના અનેક સપૂતો જેલમાં ગયા છે. મારે પણ પ્રદેશહિત માટે જેલમાં જવું પડે તો જઈશ. ચૂંટણી પ્રચાર અંગે ઉમેશ પટેલે જણાવ્યું હતું કે ખૂબ ઓછો સમય છે. પરંતુ અમે તેનો ભરપૂર ઉપયોગ કરીશું. લોકસભામાં જે રીતે કોંગ્રેસ ભાજપ કરતાં પણ વધારે બેનર અને પ્રચાર અપક્ષમાં રહીને કર્યો હતો તે જ રીતે આ ચૂંટણીમાં પણ સૌથી વધુ પ્રચાર પ્રસાર કરશે જનહિતના મુદ્દા માટે જનજન સુધી જશે.