દમણ: સંઘપ્રદેશ દમણમાં પ્રશાસને દારૂની દુકાનોને દારૂના વેંચાણ માટે પરવાનગી આપી છે. ઉદ્યોગો ચલાવવા માટે પણ પરવાનગી આપવામાં આવી છે. જેથી કામદારો બહાર પલાયન ના થાય તે માટે બોર્ડર સીલ કરી રીતસરના બંદી બનાવ્યા છે. પ્રશાસક પ્રફુલ પટેલ આવા સમયે સંઘપ્રદેશ છોડી પોતાના ગુજરાતના વતનમાં જઈ શકે છે. મંદિરમાં પૂનમના દર્શને જઈ શકે છે. રેડઝોનમાંથી આવતા માલ સમાનના ટ્રક જેવા ભારી વાહનોને પ્રવેશ આપી શકે છે, પરંતુ વાપીમાં રહેતા અને ગત 15-20 વર્ષથી દમણમાં અનાજ કરિયાણાની દુકાનો ધરાવતા વેપારીઓને પ્રવેશ નથી આપી શકતા. જેથી આ વેપારીઓએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
દમણ પ્રશાસનની બેવડી નીતિ, રેડ ઝોનમાંથી આવેલા ટ્રક વાહનોને પરવાનગી, વાપીના નાના વેપારીઓ માટે 'નો એન્ટ્રી' આ અંગે વેપારીઓનું કહેવું છે કે, શરૂઆતમાં આ જ પ્રશાસને અમારી પાસે લોકોને ઉધાર રાશન આપવાની અપીલ કરી હતી. અમે કેટલાય લોકોને ઉધાર રાશન આપ્યું અને અમને પ્રવેશ આપવાનું બંધ કર્યું છે. એક તરફ કંપનીઓમાંથી કામદારોને પગાર ચૂકવાયો છે. અમારી ઉધારી અમને મળી શકે તેમ છે, પરંતુ અમને એન્ટ્રી આપવામાં આવતી નથી.
દમણ પ્રશાસનની બેવડી નીતિ, રેડ ઝોનમાંથી આવેલા ટ્રક વાહનોને પરવાનગી, વાપીના નાના વેપારીઓ માટે 'નો એન્ટ્રી' આ નાના વેપારીઓમાં કેટલાકની દુકાનો ભાડા પર છે. જેનું ભાડું ચડી ગયું છે. ખાદ્ય સામગ્રીની ચીજવસ્તુઓ બગડી રહી છે. કામદારો પાસે પૈસા આવ્યા છે. એ લોકો લોકડાઉન અને કોરોના મહામારીને કારણે દમણ છોડી વતન જવાની તૈયારીમાં છે. આવા સમયે જો અમે અમારી ઉધારી રિકવર નહિ કરી શકીંએ, તો મુશ્કેલી ઉભી થશે. અમારી પાસે દમણમાં દુકાનના લાયસન્સ છે. કેટલાક પાસે ચૂંટણી કાર્ડ, આધારકાર્ડ પણ દમણના છે. તેમ છતા અમને પ્રવેશ કરવાની પરવાનગી આપવામાં આવતી નથી.
પ્રશાસન સમક્ષ આ વેપારીઓએ માગ કરી કે, જે રીતે અન્ય રાજ્યના ટ્રક ચાલકોને પરવાનગી આપવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક કંપનીના ગુજરાતમાં રહેતા વર્કરોને 8થી 5 વાગ્યા સુધી દમણમાં નોકરી કરવાની પરવાનગી આપવામાં આવી છે, એવી રીતે જ અમને પણ સમય પાલન સાથેની મંજૂરી આપવામાં આવે. હાલ લોકો પાસે પૈસા આવ્યા છે અને દારૂની દુકાનો ખુલી ગઈ છે. ત્યાં લોકો લાઇન લગાવી છૂટથી દારૂની ખરીદી કરે છે. જેથી આવા સમયે અમે પણ અમારી દુકાન ખોલી શકશું તો અમારી ઉધારી રિકવર થશે અને અમારા પરિવારનું ગુજરાન પણ થશે.