વલસાડ: થોડા દિવસ પહેલા એક ઘટના ઘટી હતી, જેમાં ગુજરાતથી હજારો રાજસ્થાની કામદારોને ગુજરાત સરકારે રાજસ્થાન બોર્ડર પર પહોંચાડ્યા બાદ રાજસ્થાન સરકાર દ્વારા તેમને રાજ્યમાં પ્રવેશ આપવા નનૈયો ભણી દીધો અને બોર્ડર સીલ કરી દીધી હતી. આ રકઝકમાં ગુજરાત સરકારની મહેનત પર પાણી ફરી ગયું હતું.
મહારાષ્ટ્રથી રાજસ્થાન જવા માટે ગુજરાતની બોર્ડર ક્રોસ કરવી અનિવાર્ય છે. એક તરફ મહારાષ્ટ્ર સરકારે અન્ય રાજ્યના લોકોને પાસ પરમીટ આપી વતન જવાની મંજૂરી આપી દીધી છે. આ મંજૂરીને કારણે હજારો રાજસ્થાની વાહનોમાં રાજસ્થાન જવા નીકળી પડ્યા છે, પરંતુ રાજસ્થાન સરકારે પોતાની બોર્ડર સીલ કરી દેતાં, ગુજરાત સરકારે પણ ગુજરાતની બોર્ડર સીલ કરી દીધી છે. બોર્ડર સીલ કરવા ઉપરાંત સરકારે ગુજરાત બહારના વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેથી મહારાષ્ટ્રથી નીકળેલા હજારો રાજસ્થાની પરિવારો હાલ ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર અછાડ-તલવાડા ખાતે ફસાયા છે.
લોકડાઉનમાં રાજ્ય સરકારનું રાજકારણ? હજારો રાજસ્થાનીઓ ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર અટવાયા આ લોકોનું કહેવું છે કે, તેમની પાસે 2 દિવસથી પરવાનગી છે, પરંતુ ગુજરાત બોર્ડરથી પ્રવેશ આપવામાં આવતો નથી. જેને કારણે નાના બાળકો સાથે હજારો લોકો અટવાઈ પડ્યા છે. તે લોકો પોતાના રાજ્યમાં જવા માટે ગુજરાતમાં પ્રવેશ આપવાની અરજી કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ કોરોના મહામારી દરમિયાન ગુજરાત અને રાજસ્થાન સરકાર એક-બીજા પર રાજકારણ રમી રહીં છે. એક તરફ ગુજરાત સરકારે મોકલેલા હજારો લોકોનો રાજસ્થાન સરકારે સ્વીકારવાને બદલે તિરસ્કૃત કરી બોર્ડર સીલ કરી દીધી છે. હવે જો મહારાષ્ટ્રથી આવેલા આ હજારો લોકોને પણ રાજસ્થાન સરકાર પોતાના રાજ્યમાં આવતા અટકાવે તો આ લોકો ગુજરાતમાં જ ફસાઈ જાય અને તેની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારે ઉઠાવી પડે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં મોટાપાયે કોરોના મહામારી ફેલાઈ છે. જેથી ત્યાંથી ચેપ લઈને આવેલા લોકો ગુજરાતને પણ ચેપગ્રસ્ત કરી મોટી જાનહાની સર્જી શકે છે.