વલસાડ: ઉમરગામ તાલુકામાં કલગામ ખાતે આવેલા સ્વયંભું રાયણી વાળા હનુમાન દાદાનું મંદિર આગામી શ્રાવણ માસ દરમિયાન પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. શ્રાવણ માસ દરમિયાન આ મંદિરમાં મહારાષ્ટ્રના મુંબઈ-નાસિક અને ગુજરાતના નવસારી-સુરતથી હજારો ભક્તો પગપાળા દર્શને આવે છે. જેથી મંદિરના ટ્રસ્ટે ચાલુ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી દર્શન કરવા નહીં આવવા અનુરોધ કર્યો છે.
કોરોના ઈફેક્ટઃ વલસાડનું પ્રસિદ્ધ કલગામ હનુમાન મંદિર શ્રાવણ માસમાં રહેશે બંધ, ટ્રસ્ટે લીધો નિર્ણય આ અંગે મંદિરના ટ્રસ્ટી દલપત પટેલ, હરિ પટેલ, જયંતી પટેલ અને અન્ય ટ્રસ્ટી મંડળના સભ્યો, પૂજારી રાજુભાઇ સહિતના આગેવાનોએ એક બેઠક યોજી સર્વાનુમત્તે શ્રાવણ માસમાં મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.
મંદિરના પૂજારી અને ટ્રસ્ટીઓએ દાદાના ભક્તોને અનુરોધ કર્યો હતો કે, કોરોના મહામારી દરમિયાન આ વિસ્તારમાં સંક્રમણને ફેલાતું અટકાવવા માટે આ નિર્ણય લેવાયો છે. આ સાથે જ તેમણે ભક્તોને શ્રાવણ માસ દરમિયાન ઘરે જ હનુમાન ચાલીસાના પાઠ, શ્રદ્ધા અને ભક્તિથી દાદાની પૂજા અર્ચના કરવા અને અને કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાંથી જગને જલ્દી મુક્ત કરવા અંગે પ્રાર્થના કરવા અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કલગામ ખાતે આવેલા પ્રસિદ્ધ કલગામ હનુમાન મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન મહારાષ્ટ્રના મુંબઈ-નાસિક અને ગુજરાતના નવસારી-સુરતથી હજારો ભક્તો પગપાળા દર્શને આવે છે, ત્યારે ટ્રસ્ટે ભક્તો વિના મંદિરને શ્રાવણ માસ બંધ રાખવા માટે દિલગીરી પણ વ્યકત કરી હતી.