દમણમાં ગેરકાયદેસર દબાણ પર તંત્રની લાલ આંખ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખની ઓફિસ સહિતના બાંધકામો હટાવાયા - દમણ મહેસૂલ વિભાગ
દમણ મહેસૂલ વિભાગ દ્વારા છેલ્લા 2 અઠવાડિયાથી કેનાલનું અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ઔદ્યોગિક એકમો, સ્થાનિકો અને જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ દ્વારા કરવામાં આવેલા 50થી વધુ નહેર પરના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યા હતાં. પ્રશાસનની આ કાર્યવાહીથી દબાણ કર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.
દમણમાં ગેરકાયદેસર બાંધકામ પર તંત્રની લાલ આંખ
દમણ: સંઘપ્રદેશમાં ખેતીવાડી વિસ્તારમાં કેનાલની જમીન પર કરેલા ગેરકાયદેસર બાંધકામ અને ચોમાસા પૂર્વેની પ્રિ-મોન્સૂન કામગીરી હેઠળ નહેર-નાળા ઉપર ગેરકાયદેસર બાંધકામો હટાવવાની કામગીરી તંત્રએ હાથ ધરી છે. ગત્ અઠવાડિયામાં કચી ગામની કેનાલ પરના 50થી વધુ અતિક્રમણ દૂર કરવામાં આવ્યા હતા. જેમાંથી ઘણાં બાંધકામો ગેરકાયદેસર રીતે કંપનીઓના સંચાલકો દ્વારા બાંધવામાં આવ્યા હતા.