વાપી: ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસને પગલે ચીનમાંથી આવતી ઇલેક્ટ્રોનિક્સ સહિતની તમામ આયાતનો વેપાર ઠપ્પ થયો છે. ભારત ચીન માટે સૌથી મોટુ મોબાઈલ માર્કેટ છે. મોબાઈલના દરેક પાર્ટ્સ જેવા કે ગ્લાસ, ડિસ્પ્લે, સર્કિટ, કોમ્બો, સહિતની એસેસીરીઝ ચીનથી વાયા મુંબઈ થઇ વાપીમાં આવે છે. હાલ આ તમામ આયાત અટકી ગઈ છે, જેને કારણે મોબાઈલ માર્કેટમાં વેપારીઓએ દરેક ચીજવસ્તુઓ પર 20થી 40 ટકા ભાવ વધારવાની ફરજ પડી છે.
કોરોના વાયરસને પગલે વાપીમાં મોબાઈલનો ધંધો ઠપ્પ - latest news of vapi
ચીન સહિત અન્ય દેશોમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસની અસર ભારતના અન્ય બજારોની જેમ મોબાઈલ માર્કેટ પર પણ વર્તાઈ રહી છે. મોબાઈલના મોટાભાગના સ્પેરપાર્ટ્સ ચીનમાં બનીને ભારતમાં આવે છે, પરંતુ હાલ આ તમામ વ્યવહાર ઠપ્પ થયો છે. વાપીમાં 30 જેટલી મોબાઈલના પાર્ટ્સ વેચનારી હોલસેલ દુકાનોના વેપારીઓનો ધંધો ઠપ્પ થયો છે, જ્યારે બીજી તરફ પાર્ટસની શોર્ટેજને કારણે દરેક પાર્ટસ 20થી 40 ટકા વધુ મોંઘા બન્યા છે.
વેપારીઓનું કહેવું છે કે, મોબાઈલના મોટાભાગની પાર્ટ્સ એસેસીરીઝ ચીનમાં બને છે. ગત 15 દિવસથી ચીનમાં કોરોના વાયરસની આફતને પગલે આ આયાત અટકી ગઈ છે. જેની અસર હેઠળ રેગ્યુલર પાર્ટ્સની તંગી સર્જાઈ છે. રોજનો જે વેપાર થતો હતો તે 25 ટકાએ આવી ગયો છે. જો આ અસર એકાદ મહિના સુધી વર્તાશે, તો મોબાઈલ માર્કેટના વેપારીઓએ ઉઠામણું કરવાની નોબત આવશે. વાપીમાં આવેલી મોબાઇલની 500 જેટલી દુકાનોમાં પાર્ટ્સ સપ્લાય કરનારી 30 જેટલી હોલસેલ દુકાનોમાં ઘરાકી ઘટી છે. જ્યાં રોજના લાખોનો વેપાર થતો હતો, ત્યાં હાલ ગણ્યાગાંઠ્યા જ ગ્રાહકો આવી રહ્યા છે અને તેમને જોઈતા પાર્ટ્સ ઉપલબ્ધ નથી હોતા. આ સાથે જ કોરોના વાયરસના પગલે કેમિકલ, પેપર, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોમાં પણ મંદીની અસર જોવા મળી રહી છે.