દમણ: શહેરમાં પાતલીયા ખાતે આવેલા ગૌરીનંદન પેટ્રોલિયમે ડીઝલની હોમ સર્વિસ શરૂ કરી છે. જેમાં એક મોબાઈલ ફોનથી તમને ઘર બેઠા ડીઝલ મળશે. આ નવતર આઈડિયા માટે HPCL કંપનીએ દમણના ગૌરીનંદન પેટ્રોલપંપ સાથે ખાસ કરાર કર્યા છે.
દમણમાં પેટ્રોલપંપ પરથી શરૂ કરાઇ ડીઝલની મોબાઇલ ડિલિવરી - પેટ્રોલ ડીઝલ
સંઘપ્રદેશ દમણમાં પાતલીયા ખાતે આવેલા HPCLના ગૌરીનંદન પેટ્રોલપંપ પર ડીઝલની હોમ ડિલિવરી શરૂ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને દમણમાં શરૂ કરાયેલી આ પ્રથમ સર્વિસ છે. જેનો લાભ દમણના ઉદ્યોગકારો, માછીમારો, બિલ્ડરો અને DG સેટના માલિકો લઈ શકશે.
આ અંગે પેટ્રોલપંપના સંચાલકે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ પેટ્રોલપંપ પર ડીઝલ માટે મોબાઈલ બ્રાઉઝર સર્વિસ શરૂ કરવામાં આવી છે. જે દમણની પ્રથમ સર્વિસ છે. જેમાં ગ્રાહક ઓછામાં ઓછું 100 લીટર ડીઝલ એક ફોનકોલ કરીને મંગાવી શકશે. આ સર્વિસનો લાભ દમણના ઉદ્યોગકારો, હોટેલિયરો, કન્સ્ટ્રકશન કામના બિલ્ડરો, ફિશિંગ બોટ ચલાવનાર માછીમારો, ખેતી કામ માટે ખેડૂતો, ક્વોરી માલિકો, DG સેટના માલિકો લઈ શકશે.
વળી આ સર્વિસને ઉદ્યોગકારોએ પણ વખાણી હતી અને આ સર્વિસથી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઘટશે, સમયનો સદઉપયોગ થશે. તેવું જણાવી અનેક ફાયદા વર્ણવ્યા હતાં. સામાન્ય રીતે પેટ્રોલ પંપ પરથી છૂટક પેટ્રોલ-ડીઝલ આપવામાં આવતું નથી. તેમ છતાં કંપનીએ કેટલાક સલામતીના નિયમો સાથે આ સેવા શરૂ કરી છે.