દમણ: દમણમાં લોકડાઉનના 40 દિવસ બાદ દારૂની દુકાનો ખુલતા દારૂની ખરીદી માટે લાંબી કતારો લાગી હતી. આ અવસરનો લાભ લેવા ગુજરાત વલસાડ જિલ્લાના કેટલાક શરાબ શોખીનોએ રીતસરની ઘૂસણખોરી કરી દમણની વાઇન શોપ પરથી દારૂની ખરીદી કરી હતી. આ લોકો પરત ચોર રસ્તે ગુજરાતમાં જતા રહ્યા હોવાની વિગતો મળતા દમણ જિલ્લા પોલીસ વડાએ સરહદી ચોર રસ્તે પોલીસ કાફલો ખડકી દઈ જો કોઈ દમણ બહારનો વ્યક્તિ દમણમાં પકડાશે, તો તેને 14 દિવસ કોરોન્ટાઇન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
દમણમાં દારૂની દુકાનો ખુલી દમણમાં મંગળવારનો દિવસ શરાબ શોખીનો માટે યાદગાર અને દારૂની તલપ પુરી કરવાનો દિવસ બન્યો હતો. આ દિવસે દમણ પ્રશાસને લોકડાઉનના શરતી નિયમો સાથે દારૂની દુકાનોને દારૂના વેંચાણની મંજૂરી આપી હતી. આ જાહેરાત બાદ મંગળવારે દમણમાં દારૂની દુકાનો આગળ લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવી લાંબી લાઇન લગાવી હતી. દમણમાં હાલ એક વ્યક્તિ દીઠ 2 બોટલ દારૂની પરમિશન મળી છે.
આ સમાચાર વાયુવેગે ગુજરાતના વલસાડ સહિતના જિલ્લામાં પ્રસરતા વલસાડ, નવસારી અને છેક સુરતથી કેટલાક લોકો દમણમાં દારૂ લેવા તલપાપડ બન્યા હતાં, પરંતુ દમણમાં માત્ર દમણના લોકો માટે જ દારૂની છૂટ હોય ચેકપોસ્ટ પર ગુજરાત અને દમણ પોલીસનો કડક પહેરો જોતા તમામનો જોશ ઓસરી ગયો હતો.
જ્યારે કેટલાક વલસાડવાસીઓએ દારૂ લેવા માટે દમણ સરહદી ચોર રસ્તાઓથી દમણમાં પ્રવેશી દારૂની દુકાનેથી દારૂ લઈ પરત ગુજરાતમાં આવવામાં સફળતા મેળવી હતી. દારૂ માટેની આ ઘૂસણખોરી દમણ પોલીસના ધ્યાને આવતા દમણ જિલ્લા પોલીસવડા વિક્રમજીત સિંઘે દમણ ગુજરાતની સરહદ પર ભેંસલોર નજીક પહાડી અને વાડી વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરી પોલીસ જવાનોને ચોકી પહેરા માટે તૈનાત કર્યા હતાં.
આ અંગે જિલ્લા પોલીસવડા વિક્રમજીત સિંઘે જણાવ્યું હતું કે, આ પ્રકારની જાણકારી મળી છે. જો કોઈપણ દમણ સિવાયનો વ્યક્તિ દમણમાં પકડાશે તો તેના પર કાયદાકીય કાર્યવાહી કરી 14 દિવસ માટે કોરોન્ટાઇન કરવામાં આવશે. એટલે જે લોકો બહારથી દમણમાં પ્રવેશી રહ્યાં છે, જે તે જિલ્લાઅધિકારીની પરવાનગી લેટર લઈને જ દમણમાં પ્રવેશ કરે.