સેલવાસઃ બાહુલ આદિવાસી પ્રદેશ ગણાતા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 9મી ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસને જાહેર રજાનો દિવસ જાહેર કરવામાં આવે તેવી માગ આદિવાસી એકતા પરિષદ દ્વારા કરવામાં આવી છે.
9મી ઓગસ્ટને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસે દેશના તમામ આદિવાસી રાજ્યો, પ્રદેશ, પ્રાંતમાં ખાસ ઉજવણીના કાર્યકર્મો થાય છે. સમાજના ઉથ્થાન માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે, ત્યારે આ દિવસને જાહેર રજાનો દિવસ ગણવામાં આવે તેવી માગ આદિવાસી એકતા પરિષદના પ્રમુખ પ્રભુ ટોકીયાએ કરી હતી.
આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસને જાહેર રજા જાહેર કરવામાં આવે: આદિવાસી એકતા પરિષદ પ્રભુ ટોકીયાએ આ પ્રસંગે આદિવાસી સમાજને આ દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલીમાં આજથી દસેક વર્ષ પહેલા લોકો આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ અંગે અજાણ હતા. આ પ્રદેશના આદિવાસીઓ પોતાની જાતિ અંગે ખુબ જ નાની જાતિની માનસિકતા ધરાવતા હતા. ઉચ્ચ જાતી સામે શરમ અનુભવતા હતા. જે અરસામાં આદિવાસી એકતા પરીષદ દ્વારા સમાજમાં જાગૃતિના કાર્યક્રમો યોજી સમાજમાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ અને આદિવાસી સમાજ માટે જાગૃતતા પૂરી પાડી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે છેલ્લા 10 વર્ષથી આ દિવસની ખાસ ઉજવણી દાદરા નગર હવેલીમાં પણ કરવામાં આવી રહી છે. દાદરા નગર હવેલીના નગરપાલિકા હોય કે ગ્રામ પંચાયત હોય તમામ સ્થળોએ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. જોકે હજુ પણ અમારા આદિવાસી સમાજના કેટલાક હકની માગ વખતો વખત રાખતા આવ્યા છીએ. જેમાંની એક માગ છે કે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસને ગુડી પડવા અને ગુડ ફ્રાઇડેની જેમ જાહેર રજાનો દિવસ જાહેર કરવામાં આવે.
વર્ષો પહેલા દાદરાનગર હવેલીના પ્રશાસન સમક્ષ પણ આ માગ રાખવામાં આવી હતી. જે બાદ 9 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસના શાળા-કોલેજોમાં ખાસ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે. અન્ય કેટલાક રાજ્યોમાં આ દિવસને જાહેર રજાનો દિવસ ગણવામાં આવે છે, ત્યારે, દાદરા નગર હવેલીમાં પણ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસને જાહેર રજાના દિવસ તરીકે માન્યતા આપવામાં આવે તેવી માગ છે.