વલસાડ: જિલ્લા ટ્રાફિક પોલીસે હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરી છે. જેમાં શુક્રવારે નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. પોલીસે હેલ્મેટ પહેર્યા વિના નીકળેલા બાઈક ચાલકોને રોકી તેમની પાસે દંડ વસૂલવાને બદલે સ્થળ ઉપર જ હેલ્મેટનો સ્ટોલ ઉભો કરી નહીં નફો નહીં નુકસાનના ધોરણે હેલ્મેટ ખરીદાવ્યાં હતાં. વાહનચાલકોએ પણ પોતે દંડાયા હોવા છતાં દંડથી બચવાના આ નવા પ્રયોગને હોંશે-હોંશે સ્વિકારી હેલ્મેટની ખરીદી કરી હતી.
વલસાડમાં પોલીસનું અનોખું હેલ્મેટ ડ્રાઈવ, વાહનચાલકોને દંડ ફટકારવાના બદલે ખરીદાવ્યું હેલ્મેટ - ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ
સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા હેલ્મેટ ડ્રાઇવનું પાલન વાપીમાં પણ થઇ રહ્યું છે. જેમાં વલસાડ નેશનલ હાઇવે નંબર 48ના બગવાડા ટોલ નાકા પાસે વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસે હેલ્મેટ વિના નીકળેલા વાહનચાલકોને સ્થળ પર જ હેલ્મેટ સ્ટોલ ઉભો કરી હેલ્મેટ ખરીદી કરાવી નિયમોનું પાલન કરાવ્યું હતું.
વલસાડમાં પોલીસનું અનોખું હેલ્મેટ ડ્રાઈવ
આ અંગે ટ્રાફિક પોલીસના PSI જગદીશ પરમારે જણાવ્યું હતું કે, પોલીસ લોકોને દંડ જ કરીને હેરાનગતિ કરવા નથી માંગતી, પરંતુ હેલ્મેટનો કાયદો હોવા છતાં લોકો હેલ્મેટનું મહત્વ ન સમજતા હોવાથી દરેક લોકો દંડ નહીં પણ હેલ્મેટ પહેરે અને પોતાની જિંદગી બચાવે એવા ઉદ્દેશ્ય સાથે ટ્રાફિક પોલીસ દ્વારા આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.