- વાપીમાં મંગળવારે 2 કલાકમાં ધોધમાર 3 ઇંચ વરસાદ
- વલસાડ જિલ્લામાં સીઝનનો 80 ટકા વરસાદ વરસ્યો
- દમણમાં સીઝનના કુલ વરસાદથી 6 ટકા વધુ વરસાદ વરસી ગયો
વાપી : વલસાડ જિલ્લામાં મંગળવારે વાપી અને ઉમરગામ સહિત તમામ 6 તાલુકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યા બાદ સાંજના 4 વાગ્યા આસપાસ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વલસાડ સાથે સંઘપ્રદેશ દમણમાં અને સેલવાસમાં પણ વરસાદી માહોલ જામતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં. ગાજવીજ સાથે વરસેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.
મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપનો પરચો બતાવ્યો
વલસાડ જિલ્લામાં તેમજ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં હવામાન વિભાગે આપેલી સારા વરસાદની આગાહી સાથે છેલ્લા એક સપ્તાહથી ધીમીધારે વરસતા મેઘરાજાએ મંગળવારે ફરી પોતાના રૌદ્ર સ્વરૂપનો પરચો બતાવ્યો હતો. વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં સીઝનના કુલ વરસાદ સામે આ વર્ષે દમણમાં અત્યાર સુધીની કુલ ટકાવારી સામે 6 ટકા વધુ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં સીઝનનો 80 ટકા આસપાસ વરસાદ વરસ્યો છે. મધુબન ડેમમાં આ વર્ષે અત્યાર સુધીમાં 77 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 1861 mm વરસાદ નોંધાયો
વલસાડ જિલ્લો અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ વરસાદી પાણી મેળવતા ગુજરાતના મહત્વના પ્રદેશ છે. આ વિસ્તારમાં સીઝનનો સરેરાશ 100 ઇંચથી વધુ વરસાદ વરસે છે. આ વર્ષે મોડે મોડે પધારેલા મેઘરાજાએ જિલ્લામાં અને સંઘપ્રદેશમાં સારું એવું હેત વરસાવ્યું છે. વલસાડ જિલ્લાના તાલુકા મુજબ 7મી સપ્ટેમ્બર સુધીમાં વરસેલા સીઝનના કુલ વરસાદની વાત કરીએ તો, ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 1861 mm, કપરાડા તાલુકામાં 1801 mm, ધરમપુર તાલુકામાં 1457 mm, પારડી તાલુકામાં 1383 mm, વલસાડ તાલુકામાં 1372 mm, વાપી તાલુકામાં 1677 mm વરસાદ વરસી ચુક્યો છે. એ મુજબ જિલ્લામાં સિઝનનો સરેરાશ 80 ટકા વરસાદ વરસ્યો હોઈ જિલ્લાના ખેડૂતોમાં ખુશીનું મોજું પ્રસર્યું છે.
દાદરા નગર હવેલીમાં હજી પણ 13 ટકા ઓછો વરસાદ
એજ રીતે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 7મી સપ્ટેમ્બર સુધીમાં સિઝનનો કુલ વરસાદ 1678 mm નોંધાયો છે. જો કે સીઝનના અત્યાર સુધીના કુલ વરસતા વરસાદ સામે દાદરા નગર હવેલીમાં હજી પણ 13 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. પરંતુ દમણમાં સીઝનના અત્યાર સુધીમાં વરસતા વરસાદ સામે આ વર્ષે 6 ટકા વધુ વરસાદ વરસ્યો છે. જે સપ્તાહ પહેલા 25 ટકા જેટલો ઓછો હતો.