સરીગામ ગ્રામ પંચાયતનાં નવા ભવનના ખાતમુહૂર્ત પ્રસંગે હાજર રહેલા વન અને આદિજાતિ વિકાસ પ્રધાન રમણ પાટકરે કાર્યક્રમ દરમિયાન વધુ એક બફાટ કર્યો હતો. પાટકરને પ્રદૂષણ અંગે પત્રકારોએ પ્રશ્નો પુછતા તમણે જણાવ્યું હતું કે, પ્રદૂષણ મુદ્દે લોકોમાં જાગૃતિ આવી છે. હાલમાં જ કપરડામાં ગામના લોકોએ એક સાથે ચાર ટ્રક પકડી વાપીની કંપનીમાંથી ઠાલવાતો વેસ્ટ ઝડપી પાડ્યો હતો. આ અંગે પત્રકારોએ પણ જાગૃત બનવું જરૂરી છે. આ પ્રદૂષણ ફેલાવતી કંપનીઓના સંચાલકોને જઈને પ્રશ્નો પૂછવા જોઈએ.
પાટકરના આ જવાબ અંગે જ્યારે પત્રકારોએ પૂછ્યું કે, જે ટ્રક પકડાયેલી તે છીરી ગામના સરપંચ અને તેના તાલુકા પંચાયતના સભ્યના પુત્રનો હોવાથી આ મામલે રાજકારણીઓની રહેમ નજર હેઠળ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે? તો આ અંગેના જવાબમાં પાટકરે જણાવ્યું હતું કે, આમાં કોઈ રાજકારણી સંડોવાયેલ નથી. કંપની સંચાલકોને રાજકારણી પ્રદૂષણ મુદ્દે નથી પૂછી શકતા, પણ પત્રકારો પૂછી શકે છે. એટલે તેમણે આને પોતાની નૈતિક ફરજ સમજવી જોઈએ.
વન પ્રધાન રમણ પાટકરનો બફાટ:પ્રદૂષણ અંગે પત્રકારો સવાલ પુછે, રાજકારણીઓને ઉદ્યોગપતિઓ જવાબ નથી આપતા સરીગામ GIDCમાં ફેલાતા પ્રદૂષણ અંગે પાટકરે જણાવ્યું હતું કે, સરીગામ GIDCમાં હજારો લોકોને રોજગારી મળે છે. આર્થિક રીતે સ્વાવલંબી બન્યા છે. ઉદ્યોગોનો ગુજરાતનાં વિકાસમાં મહત્વનો ફાળો છે.વન પ્રધાનને ખુશ કરવા સરીગામના ઇન્ચાર્જ સરપંચ પણ સરીગામમાં પ્રદૂષણ ઘટ્યું હોવાનું જણાવ્યું છે. જો પ્રદૂષણ ફેલાતું હોય, તો લોકો ગામમાં રહે જ નહીં તેવી દલીલ કરી પ્રદૂષણ મામલે તાલુકા સભ્યએ જે વિરોધનો સુર વ્યક્ત કર્યો હતો. તેમણે અંગે જણાવ્યું હતું કે, કેટલાક લોકો પ્રદૂષણના નામે ઉદ્યોગકારોને બ્લેકમેઇલ કરે છે. પ્રદૂષણની વાતો ઉપજાવી કંપનીઓમાં કોન્ટ્રાકટ મેળવે છે. જો પ્રદૂષણ ફેલાતું હોય, તો તે મામલે GPCB છે. જેને રજૂઆત કરી શકાય છે. હાઈકોર્ટમાં અરજી પણ કરી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, આ એ જ સરપંચ છે, જેણે પોતે પણ આ પહેલા સરીગામ GIDCના જ કેટલાક ઉદ્યોગો સામે નીતિ-નિયમો અંગે તેમજ પ્રદૂષણ મુદ્દે અનેક ફરિયાદો કરી છે, પરંતુ હવે તે ગામના સરપંચ બન્યા છે અને પ્રધાન રાજી રાખવા તેમની હામાં...હા...નો સુર મેળવી રહ્યા છે.