- NHSRCL MAHSR કોરિડોર પર પ્રથમ પૂર્ણ ઊંચાઈનો પિલ્લર તૈયાર
- વાપી નજીક બનાવવામાં આવ્યો 13.05 મીટરનો પિલ્લર
- બુલેટ ટ્રેન પ્રોજેકટમાં વાપી મહત્વનું સ્ટેશન છે
વાપીઃ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે ( NHSRCL ) મહારાષ્ટ્ર, દાદરા અને નગર હવેલી અને ગુજરાતને જોડતા 12 સ્ટેશનોમાંથી પસાર થતા મુંબઇ અમદાવાદ હાઇસ્પીડ રેલ કોરિડોર ( High Speed Rail Corridor ) પર વાપી નજીક ચેઇનજ 167 પર પ્રથમ સંપૂર્ણ સાથેનો પિલ્લર બનાવીને તેનું બાંધકામ પૂર્ણ કર્યું છે. જે અંગે અખબારી યાદી પ્રસિદ્ધ કરી છે. વાપી રેલવે સ્ટેશન એ બુલેટ ટ્રેન પ્રોજેકટમાં સૌથી મહત્વનું રેલવે સ્ટેશન છે. હાલ અહીં પુરજોશમાં કામગીરી ચાલી રહી છે.
આ કોરિડોર ( High Speed Rail Corridor ) પર બનેલા પિલ્લરની સરેરાશ ઉચાઈ આશરે 12-15 મીટર છે અને આ કાસ્ટેડ પીલ્લરની ચોક્કસ ઉચાઈ 13.05 મીટર છે, જે લગભગ 4 માળની ઈમારત જેટલી છે. આ સ્તંભ 183 ઘન મીટર કોંક્રિટ અને 18.820 મેટ્રિક ટન સ્ટીલમાંથી કાસ્ટ કરવામાં આવ્યો છે. લિફ્ટમાં ખાસ શટરિંગ વ્યવસ્થા આ કોરિડોરની મુખ્ય લાક્ષણિકતાઓ છે, જે 8 કલાક સુધી સારી ગુણવત્તા પૂરી પાડે છે.
કોરોનાકાળમાં પણ પ્રોજેકટ ગતિમાં
વર્તમાન રોગચાળો અને ચોમાસાની ઋતુને કારણે માનવબળની તીવ્ર અછત અને અન્ય લોજિસ્ટિક્સ પડકારો હોવા છતાં બાંધકામ કાર્યમાં આ નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. પ્રથમ હાઈસ્પીડ રેલ કોરિડોર ( High Speed Rail Corridor ) બનાવવા માટે આગામી મહિનાઓમાં આવા અનેક સ્તંભ બનાવવાની યોજના છે.
દમણગંગા નદી પરના પૂલ માટે પણ કરાયું છે સોઈલ ટેસ્ટિંગ
ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ ( NHSRCL ) મુંબઈ અને અમદાવાદ વચ્ચે ભારતની પ્રથમ હાઈસ્પીડ રેલ કોરિડોર ( High Speed Rail Corridor ) બનાવવા માટેની એક્ઝિક્યુટિવ એજન્સી છે. જેના દ્વારા આ કામગીરી હાથ ધરાઈ છે.