વલસાડ: કોરોના મહામારીના પોઝિટિવ કેસમાં સતત થઈ રહેલા વધારા બાદ દમણમાં કોવિડ સેન્ટરના 107 બેડ ફૂલ થઈ ચૂક્યા છે. જેથી મરવડ હોસ્પિટલ નજીક આવેલી નવી બિલ્ડિંગમાં 119 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. નવા દર્દીઓને હવેથી ત્યાં દાખલ કરવામાં આવી રહ્યા છે. દમણમાં અત્યાર સુધીમાં 126 કોરોના પોઝિટિવના એક્ટિવ કેસ છે. જ્યારે 89 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે.
કેટલું સક્ષમ છે વલસાડ-દમણ-સેલવાસનું વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દાદરા નગર હવેલીમાં 3 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા બાદ કુલ 105 સક્રિય કેસ છે. જ્યારે 95 દર્દી સ્વસ્થ થયા છે. દાદરા નગર હવેલીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધતા સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીને રાખવા માટે 250 બેડથી વધુની સુવિધા હોવાનો દાવો કરાઇ રહ્યો છે. આ સાથે સેલવાસની નર્સિગ કોલેજને પણ સજ્જ રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે. જો કે, પ્રશાસન ખરેખર વધતા કેસોને પહોંચી વળવા કેટલુ સજ્જ છે, તે બાબતે અહીંના જડ અધિકારીઓ કંઇ પણ બોલવા સમર્થ નથી. જેને લઇ લોકોમાં પ્રશાસનની કોરોના સામે લડવાની ક્ષમતા પર સવાલો ઉઠાવી રહ્યા છે.
વલસાડ કોરોના અપડેટ
- 169 એક્ટિવ કેસ
- 289 કોરોના પોઝિટિવ કેસ
- 104 ડિસ્ચાર્જ
- 6 મૃત્યુ
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 289 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 169 એક્ટિવ કેસ છે. 104 ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 6 લોકોના મૃત્યુ થયા છે. આ ટોટલ પોઝિટિવ દર્દીઓમાં એકલા વાપીના 150 દર્દીઓ છે. જેમાંથી 80 કોરોનાગ્રસ્ત દર્દી હજૂ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 54 લોકો સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે. કોરોનાને કારણે વાપીમાં 2 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 4 લોકોના કોરોના પોઝિટિવ હોવા છતા અન્ય બીમારીને કારણે મૃત્યુ પામ્યા છે.
આ દર્દીઓની વધતી સંખ્યાને જોતા વલસાડ મેડિકલ એન્ડ સિવિલ તેમજ વાપીની જનસેવા કોવિડ-19 હોસ્પિટલમાં કુલ બેડની સંખ્યા 240 છે. જેમાં હાલમાં કોરોના દર્દીઓને આઇલેશન વોર્ડમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે. આ આંકડો જોતા કોરોના કેસનો ગ્રાફ પ્રતિદિન સરેરાશ 12 કેસની ઝડપ સાથે ઉંચો જઇ રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગે હોસ્પિટલમાં વધુ 60 બેડની વ્યવસ્થા ઉભી કરવા કાર્યવાહી પૂર્ણ કરી છે.
આમ હવે કોવિડ હોસ્પિટલમાં કુલ બેડની સંખ્યા વધીને 300 થઇ છે, જેમાં અડધો અડધ 160 દર્દી સારવાર લઇ રહ્યા છે. આગામી દિવસોમાં કોરોનાની આ રફતાર જારી રહેશે તો આ બેડ ઓછા પડશે તે વાતમાં કોઈ શંકા નથી. ત્યારે તંત્ર દ્વારા અન્ય ખાનગી હોસ્પિટલમાં બેડની સુવિધા વધારવાની કાર્યવાહી આરંભી છે.
વલસાડ જિલ્લાની કોવિડ-19 હોસ્પિટલો સિવિલ અને વાપીની જનસેવામાં માત્ર 26 વેન્ટિલેટર ઉપલબ્ધ છે. હાઇ રિસ્ક દર્દીઓ માટે વેન્ટિલેટરોની સુવિધા જરૂરી હોવાના કારણે વિભાગે ખાનગી હોસ્પિટલોના 86 વેન્ટિલેટરો સ્ટેન્ડબાયમાં રાખ્યા છે. વેન્ટિલેટરની સંખ્યા ઓછી હોવાથી પણ ભવિષ્યમાં આરોગ્ય વિભાગમાં દોડધામ વધે તેવી શક્યતાઓ છે.
હાલમાં કોરોનાના દર્દીમાં વધારો જોતાં જિલ્લાની 2 કોવિડ-19 હોસ્પિટલ ઉપરાંત વધુ 2 ખાનગી હોસ્પિટલો સહિત વધુ 3 હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવા કાર્યવાહી પૂર્ણ થઇ ગઇ છે. જેમાં વલસાડની કસ્તુરબા હોસ્પિટલ, વાપીની હરિયા હોસ્પિટલ અને વાપીની ESI હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા તંત્ર દ્વારા હાલ તો કોરોનાની લડતને પહોંચી વળવા માટે પુરતું આયોજન કરી રહ્યું છે. જ્યારે પોતાની તુમાખીમાં રહેલા સંઘપ્રદેશના પ્રશાસન પાસે હજૂ પણ આવું કોઈ ચોક્કસ આયોજન હોય તેવી વિગતો બહાર આવી નથી.