ગુજરાત

gujarat

ETV Bharat / city

મરામતના અભાવે દમણના બાગ-બગીચા બન્યા બેહાલ - Beach water sports activity

દમણ: પ્રદેશમાં બીચ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી ખુલી મૂકવામાં આવતા પ્રવાસીઓ માટે નવલું નજરાણું પૂરુ પાડવાના બણગા તંત્ર મોટે પાયે ફૂંકે છે, પરંતુ મોટી દમણમાં બીચ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી નજીક જ દરિયા કિનારે આવેલા ગાર્ડનની હાલત ખસ્તાહાલ છે. જેને લઇને પ્રવાસીઓએ દમણના ગાર્ડન કરતાં પોતના વિસ્તારના ગાર્ડનને સારા જણાવી નારાજગી વ્યક્ત કરી હતી.

દમણના બાગ-બગીચા

By

Published : Oct 30, 2019, 12:26 PM IST

દરિયા કિનારે વસેલું સંઘપ્રદેશ દમણ પ્રવાસીઓ માટે અનેરું પ્રવાસન સ્થળ છે. ગુજરાત અને મહારાષ્ટ્રના લાખો પ્રવાસી અહીં વેકેશનની માજા માણવા આવે છે. જોકે, દમણની સફર મોટેભાગે દારૂના સેવન માટે હોવાનું જ ફલિત થતું આવ્યું છે. જેને બદલવા માટે પ્રશાસન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અનેક પ્રવાસી સ્થળોની કાયાકલ્પ કરવાની નેમ સેવવામાં આવી છે. આ નેમ હેઠળ દેવકા બીચ, મોટી દમણ બીચ, સી-ફેસ બીચ, અને જામપોર બિચ પર અનેક નાના ધંધાર્થીઓના ધંધા ચોપટ કરી રીતસરની પ્રશાસનશાહી ચલાવી છે.

દરિયા કિનારે આવેલું ગાર્ડન ખરાબ હાલતમાં

તાજેતરમાં શરૂ કરવામાં આવેલી બીચ સ્પોર્ટ્સ એક્ટિવિટી ખાનગી એજન્સીને આપવાથી અનેક સ્થાનિક ધંધાર્થીઓની રોજીરોટી છીનવાઈ ગઈ છે. ઉપરાંત પ્રશાસન ગુલબાંગ પોકારી રહ્યું છે કે, દમણમાં પ્રવાસન સ્થળોને કરોડોના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે. પરંતુ, મોટા ભાગના ગાર્ડનની પરિસ્થિતી મરામતના અભાવને કારણે ભયજનક બની છે.

મોટી દમણમાં દરિયા કિનારે જ આવેલું ગાર્ડન બેદરકારીને કારણે ખરાબ હાલતમાં જોવા મળ્યું હતું. અહીં ગાર્ડનમાં ઠેર-ઠેર નકામું ઘાસ, રમતગમતના સાધનો તૂટેલા, બેસવાની બેંચ તૂટેલી, અને પ્રવાસીઓ માટે ટોયલેટ સહિતની સગવડોનો તદ્દન અભાવ જોવા મળે છે.

પ્રવાસીઓએ આ અંગે જણાવ્યું હતું કે, પ્રશાસન દમણને વિકસાવ્યાની વાતો કરે છે. એટલે અહીં ફરવા આવ્યા છીંએ. પરંતુ બાગ બગીચાની હાલત એટલી ખરાબ છે કે, અમારા વિસ્તારના બગીચાઓ વધુ સારા છે. દમણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. અહીં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે. તેમ છતાં એક સારો બગીચો બનાવવામાં આવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે, પ્રશાસન દ્વારા હાલમાં જ મોટી દમણ લાઈટ હાઉસ ખાતે બીચ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરી ખાનગી કંપનીને તેનો કોન્ટ્રાકટ અપાયો છે. ત્યારે દમણમાં બીચ એક્ટિવિટી સાથે બેઘડી બગીચામાં આરામની પળો માણવા માંગતા પ્રવાસીઓ માટે સારા બાગની અને બાળકો માટે સારી રાઈડનો અભાવ પ્રવાસીઓને નિરાશા અપાવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details