ગુજરાત

gujarat

ETV Bharat / city

દમણમાં પ્રવાસીઓએ મારામારી કર્યા બાદ પોલીસ સાથે કરી બબાલ

દમણ: નવા વર્ષની અને દિવાળી વેકેશન માણવા અમદાવાદના પ્રવાસીઓ અને અન્ય પ્રવાસીઓ વચ્ચે દમણના દેવકા બીચ મારામારી થઈ હતી. મારમારીની ઘટના પર કાબુ મેળવવા તાબડતોબ પહોંચેલી દમણ પોલીસ સાથે પણ પ્રવાસીઓએ બબાલ કરી હતી. પોલીસ મારામારી કરનાર પ્રવાસીઓ પાસેથી પૈસા લઇ ખોટી રીતે હેરાન કરતા હોવાના આક્ષેપો સાથેનો વીડિયો વાઇરલ કરતા ચકચાર જવા પામ્યો છે.

daman crime news

By

Published : Oct 30, 2019, 4:31 AM IST

દમણમાં અમદાવાદથી કેટલાક વિદ્યાર્થીઓ ફરવા ગયા હતાં. તેઓ દેવકા બીચ ખાતે એક ઢાબામાં દારૂની મહેફિલ માણતી વખતે નજીકના ટેબલ પર બેસેલા અન્ય પ્રવાસીઓ સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી મારામારી સુધી પહોંચતા ઢાબામાં ખુરશીઓ ઉછળી હતી. જેમાં અન્ય પ્રવાસીઓએ અમદાવાદના વિદ્યાર્થીઓને ખુરશીઓ વડે મારમારી ચાર ખુરશી તોડી નાખી હતી.

દમણમાં દારુની મહેફીલ માણતા અમદાવાદીઓ સાથે અન્ય પ્રવાસીઓએ મારામારી કરી

સમગ્ર ઘટના અંગે દેવકા પોલીસ ચોકીને જાણ કરતા, પોલીસનો કાફલો તાબડતોબ આવી પહોંચ્યો હતો. જે દરમિયાન મારામારી કરનાર અન્ય પ્રવાસીઓ નાસી છૂટ્યા હતા. પોલીસ અમદાવાદના વિદ્યાર્થીઓને પકડી પોલીસ મથકે લઇ ગઈ હતી. જ્યાં વિદ્યાર્થીઓના મિત્રોએ પોલીસ સાથે બબાલ કરી તેમણે મારામારી કરનાર યુવકો પાસેથી પૈસા લઇ તેમને જવા દીધા હોવાના અને તેમને ખોટી રીતે પકડી હેરાન કરતા હોવાના આક્ષેપ સાથે મોબાઈલમાં વીડિયો બનાવી વાયરલ કર્યો હતો.

સમગ્ર મામલે ઉગ્ર બોલાચાલી કરતા યુવકોએ પોતાના શર્ટ ઉતારી પોતાને પડેલા મારના નિશાન બતાવ્યા હતા અને પોલીસ સ્ટેશન સામે જ ધમાલ મચાવી હતી. ધમાલથી પોલીસે તાબડતોબ ઉપરી અધિકારીને જાણ કરતા PSI સહિતનો કાફલો પણ દેવકા પોલીસ મથકે ધસી આવ્યો હતો. જ્યાં વિદ્યાર્થીઓને સમજાવવાના પ્રયાસો સાથે તેમનું મેડિકલ કરાવવા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતાં. જ્યારે મારામારી કરી ભાગી છૂટનાર પ્રવાસીઓની ધરપકડ કરવા અન્ય ટીમને રવાના કરી હતી.

ઉલ્લેખનીય છે કે, દમણમાં અવાર નવાર પોલીસ અને પ્રવાસીઓ વચ્ચે બબાલ થતી રહે છે. જેમાં ક્યાંક પોલીસ કર્મચારીઓ દ્વારા પ્રવાસીઓને કરાતી પજવણી પણ જવાબદાર છે, તો ક્યાંક દારૂનો વધુ પડતો નશો કરનાર પ્રવાસીઓ જ દારૂના નશામાં પોલીસ સાથે બબાલ કરી બેસે છે. આ ઘટનામાં પણ આખરે કોણ સાચું છે, તે અંગે હાલ પોલીસે કંઈપણ કહેવાનું ટાળ્યું છે. પરંતુ વાયરલ થયેલા વિડીયોથી દમણ પોલીસનું નાક જરૂર કાપાયું છે.

ABOUT THE AUTHOR

...view details