- દમણમાં ચોરીની શંકામાં એક કિશોર પર તાલિબાની અત્યાચાર
- વાયરલ વીડિઓ બાદ પોલીસે 3ની ધરપકડ કરી
- CWC એ પણ કિશોરને માર મારવા મામલે તપાસ માંગી
વાપી :- સંઘપ્રદેશ દમણના બામણપૂજા વિસ્તારમાં એક કિશોર સાથે કેટલાક લોકોએ જાહેરમાં કરેલા અમાનવીય કૃત્યનો વિડીયો વાઈરલ થયો છે. સગીર વયના કિશોર પર ચોરીનો આરોપ મૂકી કેટલાક લોકોએ તેને નગ્ન કરી જાહેરમાં ફટકાર્યો (Violence against children) હતો. આ ચકચાર જગાવતી ઘટનામાં મોટી દમણ કોસ્ટલ પોલીસે વાયરલ વિડીયોના આધારે 3 ઇસમોની ઓળખ કરી ધરપકડ (Daman Police Arrest three Accused) કરી છે. આ સમગ્ર ઘટના અંગે વાયરલ વિડીઓમાં ખાખી વર્દીમાં દેખાતા વ્યક્તિ અંગે દમણ SP અમિત શર્માએ ખુલાસો કર્યો હતો.
કિશોર દમણનો હોવાનું બહાર આવતાં પોલીસે કાર્યવાહી કરી
સંઘપ્રદેશ દમણ અને વલસાડ જિલ્લામાં મંગળવારે એક કિશોરને કેટલાક લોકો બેરહેમીપૂર્વક માર મારતા હોય તેવો વિડિઓ વાયરલ થયો હતો. જે ઘટના દમણની હોવાનું બહાર આવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી 3 યુવકોની ધરપકડ કરી (Daman Police Arrest three Accused) કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. ઘટના અંગે દમણ SP અમિત શર્માએ મીડિયા સમક્ષ વિગતો આપી હતી કે, રવિવારે મોટી દમણ બામણપૂજા ખાતે હાટ બજાર ભરાયું હતું. તે બજારમાં એક શંકાસ્પદ કિશોર જોવા મળ્યો હતો. તેની તલાસી લેતા ખિસ્સા કાપવા માટેની વસ્તુઓ મળતા સ્થળ પર હાજર ચારથી પાંચ લોકોએ તેને માર મારવાનું શરૂ (Violence against children) કર્યું હતું. વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ બાળકને ચપ્પલ વડે માર મારી રહ્યો છે . જે બાદ આ બાળકના કપડા ઉતારી બાળકને થાંભલા સાથે બાંધીને તેને માર મરાતા બાળક જોર જોરથી ચીસો પાડી રહ્યો હતો. આ ઘટનાના વાયરલ વિડીયો બાદ તાત્કાલિક તપાસ હાથ ધરી અંકિત નાનું પટેલ, દિલીપ ઠાકુર પટેલ અને નરેશ પ્રેમા પટેલ નામના 3 યુવકોની ધરપકડ કરી મોટી દમણ કોસ્ટલ પોલીસ મથકે વધુ તપાસ હાથ ધરી છે.
ખાખી વર્દીમાં દેખાતો વ્યક્તિ પોલીસ જવાન નથી
વધુમાં આ અંગે SP અમિત શર્માએ વિગતો આપી હતી કે, આ ઘટના અંગે કાયદાકીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જેમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામા આવશે. તેમજ IPC સેક્શન મુજબ પણ કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે વાયરલ વિડીયોમાં ખાખી વર્દીમાં દેખાતા વ્યક્તિ અંગે ખુલાસો કર્યો હતો કે તે પોલીસ ડિપાર્ટમેન્ટનો વ્યક્તિ નથી. તપાસમાં તે એક્સાઇઝ વિભાગનો વ્યક્તિઓ હોવાનું જાણવા મળ્યું છે.