- દેવકા બીચ સી-ફ્રન્ટ પ્રોજેકટ મામલે PIL ની સુનાવણી
- CRZ ના પર્યાવરણીય મંજૂરી બાબતે PIL
- બોમ્બે HC એ રેકર્ડ બતાવવા જણાવ્યું
- જરૂરી મંજૂરીઓ બતાવો તેવો હુકમ બોમ્બે હાઇકોર્ટે કર્યો
દમણ :નાની દમણ કલેકટર અને પ્રશાસનને દેવકા બીચ પર દરિયાકાંઠે રસ્તો બનાવવા માટે અને તેના બ્યુટીફીકેશન માટે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) સહિતની તમામ જરૂરી મંજૂરીઓ બતાવો તેવો હુકમ બોમ્બે હાઇકોર્ટે કર્યો છે.દમણના દેવકા બીચ ખાતે ચાલી રહેલા અંદાજિત 92 કરોડ રૂપિયાના Beautification અને Seafront પ્રોજેકટ મામલે 2019માં જીતેન્દ્ર મારુ નામના RTI એક્ટીવીસ્ટ દ્વારા મુંબઈ હાઇકોર્ટમાં PIL (Public Interest Litigation) દાખલ કરવામાં આવી હતી કે અહીં પ્રશાસન દ્વારા CRZ (Coastal Regulation Zone) ની પર્યાવરણીય પૂર્વ મંજૂરી વિના જ નિર્માણકાર્ય હાથ ધરાયું છે. જે અંતર્ગત મુંબઈ હાઇકોર્ટમાં 9મી જુલાઈએ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
6.38 કિલોમીટર સુધીના બાંધકામને અટકાવવા PIL
શુક્રવારે 9મી જુલાઈએ બોમ્બે હાઇકોર્ટેમાં મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠે PIL કાર્યકર જીતેન્દ્ર મારૂ દ્વારા 6.38 કિલોમીટર સુધીના બાંધકામને અટકાવવા માટે કરેલી PILની સુનાવણી યોજી હતી. PILમાં જીતેન્દ્ર મારુ દ્વારા કહેવામાં આવ્યું છે કે દમણ અને દીવ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરીને આધારે વ્યાપક અથવા ઝડપી પર્યાવરણ પ્રભાવ અંતર્ગત લેવામાં આવતી મંજૂરી વિના જ કન્સ્ટ્રકશન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. એ ઉપરાંત પિટિશનમાં આ માર્ગ ખરેખર હાઇ ટાઇડ લાઇન અને લો ટાઇડ લાઇન વચ્ચે બનાવવામાં આવી રહ્યો છે. સુનાવણીમાં દમણ અને દીવ પ્રશાસનના એડવોકેટ હિતેન વેનેગાવકરે જણાવ્યું હતું કે, માર્ગ લગભગ પૂર્ણ થઈ ગયો છે અને કરોડો રૂપિયા પહેલાંથી જ જાહેર ભંડોળમાંથી ખર્ચવામાં આવ્યાં છે, જેની સામે જીતેન્દ્ર મારુના વકીલ ગાયત્રીસિંહે દલીલ કરી હતી કે, તેઓએ બાંધકામ ચાલુ રાખ્યું હતું અને હવે કહે છે કે તે પૂર્ણ થઈ ગયું છે અને કાંઈ પણ બન્યું નથી.
માર્ગનું 50 ટકાથી વધુ કામ પણ પૂર્ણ
ઉલ્લેખનીય છે કે દમણ દેવકા ખાતે અંદાજિત 92 કરોડ રૂપિયાના ખર્ચે સી-ફ્રન્ટ રોડ નિર્માણની કામગીરી પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે. આ માટે દરિયા કિનારે આવેલી અનેક હોટેલો, રહેણાંક વિસ્તાર પર પ્રશાસને બુલડોઝર ફેરવી જરૂરી જમીન એકવાયર કરી છે. માર્ગનું 50 ટકાથી વધુ કામ પણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. ત્યારે CRZ ની મંજૂરીને લઈને થયેલી PIL અને તે બાદ મુંબઈ હાઇકોર્ટે આપેલ આદેશથી પ્રશાસનના આ મહત્વાકાંક્ષી પ્રોજેકટ પર સૌ કોઈ મીટ માંડીને બેઠાં છે.