- દાદરા નગર હવેલીમાં સાંસદની સીટ કબ્જે કરવા ભાજપે તૈયારીઓ કરી શરૂ
- અપક્ષ સાંસદ સ્વ મોહલ ડેલકરના નિધન બાદ આ સીટ ખાલી પડી છે
- 4 કાર્યકરોએ ચૂંટણી લડવા ટિકિટની માગ કરી
સેલવાસ: દાદરા નગર હવેલીમાં ખાલી પડેલી સાંસદની સીટ પર આગામી સપ્ટેમ્બર, ઓક્ટોબર મહિનામાં લોકસભાની પેટા ચૂંટણી(Lok Sabha by-election) યોજાઈ શકે છે. જેમાં ભાજપના ઉમેદવારને વિજયી બનાવી દાદરા નગર હવેલીમાં કેસરિયો લહેરાવવા સંઘપ્રદેશ(Union Territory) ભાજપ સક્રિય થયું છે. પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને ભવ્ય જીત મળશે તેવો વિશ્વાસ દાદરા નગર હવેલી અને દમણ અને દિવ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલ વ્યક્ત કર્યો હતો.
22 ફેબ્રુઆરીએ અપક્ષ સાંસદ મોહન ડેલકરનું થયું હતું નિધન
વર્ષ 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપે એડીચોંટીનું જોર લગાવ્યું હતું જોકે, તેમછતા અપક્ષ તરીકે ચુંટણી લડનારા મોહન ડેલકરે (Mohan Delkar) ભાજપના ઉમેદવારને કારમી હાર આપી હતી અને ભાજપની વિજયની આશા પર પાણી ફેરવી દીધું હતું. જોકે, વર્ષ 2021માં 22 ફેબ્રુઆરીએ અપક્ષ સાંસદ મોહન ડેલકરે (Mohan Delkar) મુંબઈની હોટેલમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા દાદરા નગર હવેલીએ એક બાહોશ નીડર નેતા ગુમાવ્યો હતો. ત્યારથી દાદરા નગર હવેલીની સાંસદની સીટ ખાલી પડી છે. જેની પેટા ચૂંટણી (by-election)આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં યોજાય તેવા એંધાણ છે. ત્યારે આ પેટા ચૂંટણીમાં ભાજપનો ઉમેદવાર વિજયી બને તે માટે ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું અને મતદારો ભાજપના ઉમેદવારને વિજય બનાવશે તેવો હુંકાર દાદરા નગર હવેલી અને દમણ અને દિવ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલે કર્યો હતો.
આ પણ વાંચોઃ દાદરાનગર હવેલીના MP મોહન ડેલકરનું મુંબઈમાં શંકાસ્પદ મોત, ગુજરાતીમાં મળી સ્યુસાઈડ નોટ
પ્રદેશના મતદારો ભાજપ સાથે હોવાનો પ્રદેશ અધ્યક્ષનો દાવો
પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલે જણાવ્યું હતું કે, સંઘપ્રદેશ (Union Territory)માં પક્ષ તરફથી તમામ તૈયારીઓ આરંભી દેવાઈ છે. દાદરા નગર હવેલીમાં ભાજપ સરકારે અનેક જનહિતના કાર્યો કર્યા છે. આદિવાસીઓને તેમના હક આપી વિકાસમાં સહભાગી થયા છે. એક સમયે જ્યાં માત્ર પ્રાઇવેટ કોલેજોમાં જ શિક્ષણ મળતું હતું. ત્યાં ભાજપની સરકારે સરકારી મેડિકલ કોલેજ, સ્કૂલો ઉભી કરી છે. આદિવાસીઓના ઉત્થાન માટે સ્વરોજગારીની તકો પુરી પાડી છે. દાદરા નગર હવેલીમાં દરેક શહેરી-ગ્રામ્ય મતદારો ભાજપ સાથે છે. તેમનો આ ભાજપ તરફી જુવાળ ભાજપને આવનારી પેટા ચૂંટણી(by-election)માં પૂર્ણ બહુમત અપાવશે.