- ઉમરગામ નગરપાલિકા ચૂંટણીના ઉમેદવારો જાહેર
- આ ચૂંટણીમાં તમામ વોર્ડમાં જીત મેળવવાની આશા
- કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષ હરીફાઈમાં નબીં હોવાની ગુલબાંગ
વલસાડ: ઉમરગામ નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગ્યા બાદ બુધવારે સાંજે ભાજપે પોતાના 7 વોર્ડના 28 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. ઉમરગામ નગરપાલિકામાં ગત ટર્મમાં ભાજપનું શાસન હતું. પાલિકા વિસ્તારમાં અનેક વિકાસના કામો કર્યા હોવાનો ભાજપનો દાવો છે, જ્યારે ગટર, આરોગ્ય, શિક્ષણ જેવા પાયાગત પ્રશ્નો પણ હલ નથી થયા તેવા કોંગ્રેસના આક્ષેપોને નકારી ભાજપે આ ચૂંટણીમાં કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષ તેની હરીફાઈમાં નહીં હોવાનું જણાવ્યું છે.
ઉમરગામ નગરપાલિકામાં 21,979 મતદારો
28 ફેબ્રુઆરીએ ઉમરગામ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન છે. પાલિકા વિસ્તારના 12,159 પુરુષ મતદારો, 9,820 સ્ત્રી મતદારો મળી કુલ 21,979 મતદારો 7 વોર્ડના 28 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવાના છે, ત્યારે ગત ટર્મમાં ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપે મહત્વના કહી શકાય તેવી પીવાના પાણીની પાઇપલાઇનની સુવિધા, સારા રસ્તાઓ, ગટર, સ્ટ્રીટ લાઈટ, તળાવ બ્યુટીફીકેશન સહિતના કાર્યો પૂર્ણ કર્યા હોવાનું ભાજપ કન્વીનર ટીનું બારીએ જણાવ્યું હતું.
પાણી, રસ્તાના મહત્વના કાર્યો કર્યાં
આ ચૂંટણીમાં તમામ વોર્ડમાં વિજયી બની બાકી રહેતા કાર્યો પણ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. ટીનું બારીએ વધુમાં જણાવ્યું હતું કે, ગત ટર્મમાં કોંગ્રેસે વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 7માં વિજય મેળવ્યો હતો. આ સાથે જ વોર્ડના વિકાસના કામો પણ ભાજપે પુર્ણ કર્યાં છે. આ ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસ હરીફાઈમાં નથી. જેથી તમામ વોર્ડ પર ભાજપ વિજયી બની સત્તા મેળવશે.